અમદાવાદ માં હજુ બે દિવસ મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી
રાજસ્થાનની આસપાસના વિસ્તારમાં લો-પ્રેશર, મોન્સૂન ટ્રફ અને દક્ષિણ ગુજરાતમાં ઓફ-શોર ટ્રફ જેવી 3 સિસ્ટમની અસરથી બે દિવસ અમદાવાદ સહિત વિવિધ વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ તેમજ કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. મોડી રાત્રે એસજી હાઈવે, ઘાટલોડિયા, બોપલ, રાણીપ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું હતું.
રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન શનિવાર કરતાં 1.5 ડિગ્રી વધીને 30.5 ડિગ્રી અને લઘુતમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું હતું. જો કે, આગામી 24 કલાક દરમિયાન શહેરમાં મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે, ત્યારબાદ બેથી ચારદિવસ દરમિયાન શહેરમાં વરસાદની ગતિવિધી ઘટવાના સંકેત હવામાન વિભાગે આપ્યા છે.
લો-પ્રેશરની સિસ્ટમની અસરથી આગામી બે દિવસો દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અમદાવાદમાં હળવોથી મધ્યમ જયારે દક્ષિણ ગુજરાતના વાપી, સુરત, નવસારી, તાપી, પંચમહાલ અને વડોદરા જેવાં વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
