નવસારીની કંપનીમાં ગેસ લીકેજ, 2 મહિલાઓને આંખમાં બળતરા

                નવસારીના જલાલપોર તાલુકાના આરક સિસોદ્રા ગામ નજીક આવેલી એક સ્ટીલ બનાવતી કંપનીમાં ગઈકાલે મોડી રાત્રે ગેસ લીકેજ થયું હતું. જેથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. રાત્રિ દરમિયાન ટેકનિકલ ખામીના કારણે ગેસ લીકેજ થયું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યં હતું. જેમાં બે મહિલાને આંખમાં બળતરા તેમજ ઉલ્ટી થતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

             ગેસ લીકેજને કારણે સ્થાનિક 2 મહિલાને આંખમાં બળતરા અને ઉલટી જેવી લક્ષણો અનુભવ્યા હતા. જેથી તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટના સામે ગ્રામજનો ઉગ્ર પ્રતિક્રિયા દર્શાવતા કંપનીની બહાર ભેગા થયા હતા. GPCB બોર્ડના અધિકારીઓને ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને હાલ ફેક્ટરીને તાત્કાલિક બંધ કરવામાં આવી છે. અસરગ્રસ્ત મહિલાઓને આરોગ્યની ચકાસણી બાદ રજા આપવામાં આવી છે.

           નવસારી પોલીસના જવાનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. 

આ મામલે નવસારી ગ્રામ્ય પોલીસે જાણવાજોગ ફરિયાદ લીધી છે. જેમાં પીએસઆઇ એમ એમ મૌર્યાને તપાસ સોંપવામાં આવી છે. કેસની તપાસ કરતા પી.એસ.આઇ.એમ મૌર્ય જણાવ્યું હતું કે, આ કેસને લઈને અસરગ્રસ્ત મહિલાઓનું નિવેદન નોંધવાનું કામ બાકી છે, જેથી તેમનું નિવેદન નોંધ્યા બાદ આ દુર્ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવશે.

Social