દહેગામ રેલવે સ્ટેશન પાસે SMC ત્રાટકી: રૂ. 12.33 લાખનો મુદ્દામાલ જપ્ત, કારનો ચાલક ફરાર
દહેગામમાં SMC દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દહેગામ રેલવે સ્ટેશન પાસે SMC ત્રાટકી હતી. અને એસયુવી કારમાંથી વિદેશી દારૃ સહિત રૂ. 12.33 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તેમજ કારનો ચાલક ફરાર થઇ ગયો છે. તેમજ ગાડીનો માલિક તેમજ દારૂનો જથ્થો મોકલનાર અજાણ્યો ઇસમ તેમજ દારૂનો જથ્થો મંગાવનાર સહીત 4 ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને બાતમી મળેલ કે, હિંમતનગર તરફથી એક સફેદ કલરની એસયુવીમા ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી મોટા ચીલોડા દહેગામ થઈ અમદાવાદ રીંગરોડ બાજુ જનાર છે. જે હકીકતના આધારે બે અલગ અલગ ટીમ બનાવી મોટા ચીલોડા સર્કલથી આગળ હીમતનગર -અમદાવાદ હાઇવે રોડ તથા ગીફટ સીટી પાસે દહેગામ અમદાવાદ હાઇવે રોડ ઉપર વોચ ગોઠવી દેવામાં આવી હતી.આ દરમ્યાન બાતમી મુજબની ગાડી મોટા ચીલોડા સર્કલ હાઇવે રોડ ઉપર હોવાની માહિતી મળતા જ એક ટીમ ગીફટ સીટી પાસે દહેગામ-અમદાવાદ હાઇવે રોડ ટીમ એલર્ટ થઈ ગઈ હતી અને વાહનો રોકી ટ્રાફિક જામ કરી દેવાયો હતો. જેનાં પગલે દારૂ ભરેલી ગાડીનો ચાલક ગાડી મૂકીને નાસી ગયો હતો. બાદમાં પોલીસે કારની તલાશી લેતાં અંદરથી દારૂ ભરેલો હોવાનું જોવા મળ્યું હતું.
તેમજ ગાડીને દહેગામ પોલીસ મથકે લઈ જઈ ગણતરી કરવામાં આવતાં રૂ. 2.33 લાખથી વધુની કિંમતની 2118 નંગ દારૂ બિયર નો જથ્થો મળી આવ્યો હતો. જેનાં પગલે એસએમસીએ દારૂના જથ્થા સહિત 12 લાખ 33 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી દારૂની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કરી દહેગામ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.
