ચીલોડા તરફ સાબરમતીના બ્રિજ પરથી પેથાપુરના યુવાને પડતું મુક્યું

ગાંધીનગરનાં ચીલોડા રોડ પર સાબરમતીના બ્રિજ પરથી યુવાને મોતની છલાંગ લગાવી છે. જેની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે ગઈકાલે રાતે કલાકો સુધી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પરંતુ યુવકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ત્યારે આજે સવારે પણ નદીમાં શોધખોળ કરીને ફાયર બ્રિગેડે યુવાનની લાશ શોધી કાઢવામાં આવી છે. ત્યારે ચિલોડા પોલીસે ઘટના સ્થળે દોડી આવી લાશનું પંચનામું કરી પીએમ અર્થે ખસેડી આગળની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

ચીલોડા તરફ સાબરમતીના બ્રિજ પરથી ગઈકાલે રાતના સમયે એક યુવાને મોતની છલાંગ લગાવી હોવાની ઘટના ઘટી હતી. યુવાને નદીમાં પડતું મુક્યું હોવાની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે સાબરમતી નદીમાં કલાકો સુધી યુવાનને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પરંતુ કલાકોની મહેનત પછી પણ યુવાનનો કોઈ પત્તો લાગ્યો નહોતો. યુવાને બ્રિજ પરથી પડતું મુક્યું હોવાનું જાણીને રાહદારી વાહન ચાલકો પણ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. જ્યારે બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને ટ્રાફિક જામ થાય નહીં એની કામગીરીમાં લાગી ગઈ હતી. જો કે મોડી રાત સુધી યુવાનનો કોઈ પત્તો લાગ્યો ન હતો.આજે સવારે ફરીવાર ફાયર બ્રિગેડની ટીમે સાબરમતી નદીમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જે અન્વયે ભારે જહેમત પછી યુવાનની લાશ નદીમાંથી શોધી કાઢવાની સફળતા મળી હતી. આ બનાવના પગલે ચીલોડા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસની પ્રાથમીક તપાસમાં યુવાનનું નામ નિર્મલસિંહ ભરતસિંહ સોલંકી(ઉ. 28,ગજનદ સોસાયટી, પેથાપુર) હોવાનું બહાર આવ્યું છે. પ્રેમ લગ્ન કરનાર યુવાને ગૃહ ક્લેશનાં કારણે પગલું ભર્યું હોવાની પણ વિગતો સામે આવી છે.

Social