ગાંધીનગરના પેથાપુર – માણસામાં પશુઓ – કેબલ ચોરી કરનાર રીઢો ચોર પોલીસના સકંજામાં
ગાંધીનગરના પેથાપુરમાં પશુઓ તેમજ કેબલ ચોરીનાર રીઢા ચોરને લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લઈ ત્રણ ગુનાનો ભેદ ઉકેલી કાઢયો છે. પોલીસે કડક પૂછતાછ કરતાં અગાઉ પશુઓ તેમજ કેબલ ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી હતી. અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ ગાંધીનગરમાં છેલ્લા કેટલાક વખતથી પશુ ચોરી તેમજ કેબલ ચોરીની ઘટનાઓ બનતા પોલીસ એક્શનમાં આવી હતી. ત્યારે લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, માણસાના ઇટાદરામાં રહેતો રીઢો ચોર આદિલહુસૈન ઝાકીરમીયાં બેલીમ ચોરીના ગુના આચરવાની ટેવ વાળો છે. જેનાં પગલે આરોપીને એલસીબીએ માણસા કલોલ હાઇવે રોડ ઉપર આવેલ રામપુરા ગામ તરફ જતા કટ પાસેથી ઝડપી લીધો હતો. જેની કડકાઈથી પૂછતાંછ કરતાં આદિલહુસૈન બેલીમે માણસા પોલીસ સ્ટેશન વિસ્તારના ઇટાદરાથી પ્રેમનગર તરફ જતા રોડ ઉપર આવેલ ખેતરમાં આવેલ ઓરડી પાસેથી કેબલ કાપી ચોરી કરેલ અને ઇટાદરાથી ખરણા ગામ તરફ જતા રોડ ઉપર આવેલ ખેતરમાં આવેલ ઓરડી પાસેથી પણ કેબલ કાપી ચોરી લીધાની કબૂલાત કરી હતી. આ ઉપરાંત પેથાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના વાસન ગામમાંથી ત્રણ પાડીઓ તથા એક વછેરી મળી કુલ – 4 પશુઓની ચોરીના ગુનાને અંજામ આપ્યો હોવાની વધુમાં કબૂલાત કરી હતી. જેનાં પગલે એલસીબીએ ત્રણ ગુનાનો ભેદ ઉકેલી કાઢી આરોપીની ધરપકડની કરી વધુ પૂછતાંછ હાથ ધરી છે.
