શેરબજારમાં ટ્રેડિંગના નામે શિક્ષક સાથે રૂપિયા 53 લાખની છેતરપિંડી આચરનાર શખ્સ સુરતથી ઝડપાયો
ભાવનગરની એક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને શેર બજારમાં ઇન્વેસ્ટ કરતાં એક શિક્ષકને સુરતના શખ્સે ફેસબુક ઉપર લોભામણી જાહેરાતો કરી પોતાના ઝાસામાં ફસાવી શિક્ષક પાસેથી અલગ અલગ સમયે રૂપિયા 53 લાખથી વધુની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરી હતી, જે સંદર્ભે શિક્ષકે સાઈબર સેલમાં નોંધાવેલી ફરિયાદ આધારે પોલીસની ટીમે ગઠીયાને સુરતથી ઝડપી લીધો હતો.
બોટાદ જિલ્લાના ધારપીપળા ગામના વતની અને હાલ ભાવનગર શહેરના કાળીયાબીડ સ્થિત સરદાર પટેલ શૈક્ષણિક સંસ્થામાં જ રહી અહીં શિક્ષક તરીકે ફરજ બજાવતા ચેતન વિનોદ જોષી ઉ.વ.38 શેરબજારમાં ટ્રેડિંગ કરતા હોય જેમાં ફેસબુક પર એક શેરબજારના ગૃપમા એડ થયા હતા અને આ ગૃપમા શેરબજાર ને લગતી ટીપ્સ તથા આકર્ષક લાભ-વળતરના ઝાસામાં ગઠીયાએ શિક્ષક ને ફસાવી શેરબજારમાં સારૂં વળતર અપાવવાની લાલચ આપી શિક્ષક પાસેથી અલગ અલગ સમયે બેંક એકાઉન્ટ માંથી ઓનલાઈન રૂપિયા 53 લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરાવી હતી.
એ દરમ્યાન શિક્ષકને શંકા જતા તેણે રકમ વિડ્રોલ કરવા માટે પ્રોસેસ હાથ ધરતા ગઠીયાએ માત્ર 83,000 જ પરત કર્યા હતા. જ્યારે બીજી રકમ વિડ્રોલ કરવા માટે અલગ અલગ ચાર્જીસ તથા ટેક્સના નામે રૂપિયાની માંગ કરી હતી વધુ રૂપિયા જમા કરાવવાની વાત સાંભળતા શિક્ષક પોતે છેતરપિંડીનો ભોગ બન્યા જાણમાં આવતા તેણે તરત જ ભાવનગર સાયબર સેલનો સંપર્ક કરી ફરિયાદ દાખલ કરાવતા પોલીસે તપાસ હાથ ધરી મૂળ અમરેલી જિલ્લાના બાબરીયાધાર ગામના વતની અને હાલ સુરતમાં કામરેજ વિસ્તારમાં સુરભી રેસીડેન્સીમાં રહેતા ઘનશ્યામ જેરામ કવાડ ઉં.વ.25 ની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી ત્યારબાદ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરતા કોર્ટે આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
