બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે ગજબનું ભેજુ વાપર્યુ, ટ્રકના ચોર ખાનામાં દારૂ સંતાડયો
પાછલા કેટલાક દિવસો દરમિયાન દારૂની હેરાફેરીના અવનવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તો સાથે સાથે પોલીસ પણ હવે બુટલેગરોની આધુનિકતાને ખુલ્લી પાડવામાં સફળ બની રહી છે. ત્યારે ગાંધીનગરના ચંદ્રાલા નાકા પોઈન્ટથી ટ્રકના ચોર ખાનામાં છુપાવેલ વિદેશી દારૂનો જથ્થા સાથે બેની ધરપકડ કરવામાં આવી છે. જોકે, આ કેસની ખાસ વાત એ છે કે, જે રીતે દારૂ છુપાવવામાં આવ્યો હતો એ જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી.
મળતી માહિતી અનુસાર ચીલોડા પોલીસ સ્ટાફના માણસો ચંદ્રાલા ગામની સીમ આગમન હોટલ સામે હાઈવે પર ચેકીંગમાં હતા દરમિયાન બાતમી મળી હતી કે, હિંમતનગર તરફથી આવતી ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે. જે બાતમી હકીકતના આધારે પોલીસ સ્ટાફના માણસો ઉપરોક્ત સ્થળે વોચમાં ગોઠવાઈ ગયા હતા. ત્યારે બાતમી વાડી ટ્રક આવતા અટકવામાં આવી ડ્રાઇવર અલ્તાફ ખાન ઇંદુખાન સૈયદ (રહે. અક્લીમપુર, મસ્જીદની પાસે, થાણા નગીના તા.નગીના જી.નુહુ રાજ્ય હરીયાણા) અને કલીનર દિનેશ પ્રકાશ બાદલ (અસરફાબાદ, ચોકની બાજુમાં થાણા અંતરોલી, તા.અતરોલી જી.અલીગઢ રાજ્ય ઉત્તર પ્રદેશ) ને ઝડપી લીધા હતા.પોલીસે ટ્રકની અંદર તપાસ કરતાં સીટની ઉપરના ભાગે બનાવેલ ચોર ખાનામાંથી વિદેશી દારૂની 264 નંગ બોટલો કિંમત રૂ. 1 લાખ 54 હજાર 920 તથા ટ્રકની કિમત મળી કુલ રૂ. 16.64 લાખના મુદ્દામાલ કબજે કર્યો હતો.
