ગાંધીનગરના ઝુંડાલ પાસે ઈલેક્ટ્રીક વીજ પોલ ઉપર યુવકે ચડી જઈ આખું ગામ માથે લીધું
ગાંધીનગરના ઝુંડાલ પાસે એક શખ્સ વીજ પોલ પર ચડી ગયો હતો. જેથી ગામમાં દોડધામ મચી ગઇ હતી. લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. આ શખ્સે આખું ગામ માથે લેતા અંતે ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચી જઈને ભારે જહેમત પછી અજાણ્યા શખ્સને નીચે ઉતારી સારવાર અર્થે મોકલી આપ્યો હતો.
ગાંધીનગરનાં ઝુંડાલ ગામ પાસેના વીજ પોલ ઉપર ચડીને એક શખ્સ અધવચ્ચે જઈને બેસી ગયો હતો. જેનાં કારણે આસપાસમાં લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. સ્થાનિકોએ સમજાવવા છતાં શખસ માન્યો નહોતો અને તે વીજ પોલ પરથી નીચે ઉતરવા તૈયાર નહોતો.જેને પગલે જી.ઇ.બી.ને જાણ કરી હતી. આથી જીઈબીનાં કર્મચારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેઓએ પણ શખ્સને નીચે ઉતરી જવા માટે ઘણા પ્રયાસો કર્યા હતા. પરંતુ અજાણ્યો શખ્સ નીચે ઊતરવાનું નામ લેતો ન હતો.
આખરે ગાંધીનગર ફાયરને સમગ્ર ઘટનાથી વાકેફ કરવામાં આવી હતી. આ કોલ મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. જી.ઇ.બી.ના કર્મચારીઓ તેમજ ફાયર બ્રિગેડની ટીમે આવીને આ શખસને નીચે ઉતાર્યો હતો.વીજ પોલ પર ચડી ગયેલો શખ્સ અસ્થિર મગજનો અને રખડતો ભટકતો હોવાનું જાણવા મળ્યું છે.જેને સામાન્ય ઈજાઓ થઈ હોવાથી 108 એમ્બ્યુલન્સ બોલાવીને સારવાર અર્થે પણ મોકલી આપવામાં આવ્યો હતો.
