સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદની શક્યતા
આગામી ત્રણ દિવસ હજુ પણ ગુજરાત રાજ્ય માટે ભારે રહેશે તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ માટે આગામી 48 થી 72 કલાક અત્યંત ભારે વરસાદની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, બંગાળની ખાડીમાંથી જે લોપ્રેશર આગળ વધ્યું હતું તે હાલમાં ડીપ ડિપ્રેશનમાં પરિવર્તન થઈને કચ્છના અખાત તરફ આગળ વધી રહ્યું છે. જે હાલમાં ભુજથી 50 કિમી દૂર કેન્દ્રિત થયું છે જે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. તેને કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાં ગત ચાર દિવસથી અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે તેવામાં છેલ્લા 24 કલાક દરમિયાન દ્વારકામાં રાજ્યનો સૌથી વધુ 43 સેમી વરસાદ વરસ્યો છે.
