ગાંધીનગર જીઈબીનાં નિવૃત અધિકારીને પાકતી વિમાની રકમ પરત મેળવવાના ચક્કરમાં ગઠિયાઓએ અલગ અલગ બેંક ખાતામાં રૂ. 76.29 લાખ ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. આથી ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
ન્યુ વાવોલ સિધ્ધાર્થ રેસીડેન્સીમાં રહેતા રજનીકાંત વાલજીભાઈ પટેલ વર્ષ 2019માં જીઈબી પાવર સ્ટેશન ખાતેથી ડીવાયએસએ હોદ્દા પરથી નિવૃત થયા છે. ગત ડિસેમ્બર 2023 માં મોબાઇલ ઉપર એક અનંત રાય નામના ઈસમે ફોન કરીને જણાવેલ કે તમારી મેકસ લાઈફ ઈન્સયોરન્સની રૂ. 12.50 લાખની પોલીસીની પાકતી રકમ દસ લાખ રૂપિયા કરતા વધારે હોય વીમા લોકપાલ આયોગ તરફથી ચુકવવામાં આવશે. જે માટે તમારી પોલીસીની ફાઈલ અમે વીમા લોકપાલમાં મોકલાવીશું. અને પોલીસીની પ્રોસેસ કરાવવા માટે કેટલોક ચાર્જ ચુકવવાનો રહેશે અને ચાર્જ તરીકે ભરવામાં આવેલ તમામ રકમ તમને તમારા બેંક ખાતામાં પરત મળી જશે તેમ જણાવી વિશ્વાસ આપ્યો હતો. જે પેટે 24 જાન્યુઆરી 2024 ના રોજ રૂ. 1.99 લાખ રજનીકાંતભાઈએ આપેલા બેંક ખાતામાં જમા કરાવ્યા હતા. તે પછી અલગ અલગ ચાર્જીસના બહાને આશુતોષ અગ્રવાલ દ્રારા તેમની પાસેથી કુલ રૂ. 30.69 લાખ જુદા જુદા ખાતામાં ટ્રાન્સ્ફર કરાવી લેવાયા હતા.
ત્યારે સીદી મોહન નામની વ્યક્તિએ ફોન કરીને કહેલ કે, તમારા દ્વારા જે પૈસા જમા કરાવવામાં આવ્યા છે તે ખોટી જગ્યા જમા કરેલ છે. વીમા પોલીસીની પાકતી રકમ મેળવવા માટે તેના જે ચાર્જીસ ભરવાના થાય છે તે હું કહુ તે બેંક ખાતામાં જમા કરવા પડશે અને તે નહી ભરશે તો અગાઉ ભરેલ પૈસા પાછા નહીં મળે. પગલે રજનીકાંતભાઈએ તેણે આપેલા અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂ. 45.20 લાખ ટ્રાન્સ્ફર કર્યા હતા. પરંતુ મહિના સુધી કોઈ પ્રોસેસ થઈ ન હતી. અને એક દિવસ સીદી મોહનની ભત્રીજી બોલું છું કહીને ફોન આવેલો કે કાકા સીદી મોહનને અકસ્માત થયેલ હોવાથી છ માસ સુધી બેડ રેસ્ટ રહેશે. બાદમાં બધા નંબર બંદ થઈ ગયા હતા. આખરે પોતાની સાથે સાયબર ફ્રોડ થયાનો અહેસાસ થતાં રજનીકાંતભાઈએ ફરિયાદ નોંધાવી છે. અને પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.