બોરસદમાં વૃદ્ધ મહિલાએ પહેરેલા સોનાના દાગીના પડાવી અજાણ્યો શખ્સ ફરાર
બોરસદના બજારમાંથી કરીયાણું ખરીદી પરત ઘરે જઈ રહેલાં એક વૃદ્ધ મહિલાને તમારા પૈસા મંજૂર થયેલા છે અને આ પૈસા લેવા માટે નજીકની બેંકમા જવાનુ છે તેમ કહીને અજાણ્યો બાઈક ચાલક ત્યાંથી થોડે દૂર લઈ ગયો હતો અને વૃદ્ધ મહિલાએ પહેરેલા સોનાના દાગીના તેમજ રોકડ મળીને કુલ રૂપિયા 32,500 નો મુ્દામાલ તફડાવીને ફરાર થઈ ગયો હતો. વૃદ્ધ મહિલાની ફરીયાદને આધારે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
બોરસદ તાલુકાના કસારી ગામમાં આવેલ કાશીયાપુરા વિસ્તારમાં રહેતાં 62 વર્ષીય બાલુબેન ખુમાનસિંહ પરમાર કરીયાણું ખરીદવા માટે બોરસદ ગામના બજારમાં ગયાં હતાં. કરીયાણુ ખરીદ્યાં બાદ તેઓ ચાલતાં-ચાલતાં પટેલ ચકલા દુકાને પહોંચ્યા હતાં. તે દરમિયાન એક ઈસમ બાઈક લઈને બાલુબેન પાસે આવ્યો હતો અને તમારા પૈસા મંજુર થયેલ છે અને હું તમારા કસારી ગામમાં જઇને સરપંચને મળીને આવેલ છુ અને આ પૈસા લેવા માટે નજીકની બેંકમા જવાનુ છે તમે મારા બાઇક પાછળ બેસી જાવ તેમ જણાવ્યું હતું. જેથી બાલુબેન આ અજાણ્યાં ઈસમ ઉપર વિશ્વાસ મુકી, તેમની બાઇક પાછળ બેસી ગયાં હતાં અને અજાણ્યાં ઈસમે બાઈક થોડે આગળ જઈને આ બાલુબેનને જણાવ્યું હતું કે, તમારા પૈસા મેળવવા માટે તાત્કાલિક ફોટો પાડવો પડશે અને તમે શરીરે કાનના ભાગે પહેરેલ સોનાની કાપ (બુટ્ટી) તથા નાકમા પહેરેલ સોનાની જડ (નથણી) કાઢીને મને આપી દો, જેથી ફોટામા આવે નહી અને તમારા પૈસા મંજુર થઈ શકે. જેથી બાલુબેનએ કાને પહેરેલ કાપ (બુટ્ટી) એક જોડ તથા નાકમાં પહેરેલ જડ (નથણી) તેમજ રોકડા રૂપિયા 500 આ અજાણ્યાં ઈસમને આપ્યાં હતાં. ત્યારબાદ બાદ અજાણ્યો ઈસમ બાઇક ચાલુ કરીનેબેંકમા જઈને પાવતી ફડાવી તમારા પૈસા લઈને પાછો આવુ છું તમે અહીંયા બેસી રહેજો તેમ કહી ત્યાંથી ફરાર થયો હતો કુલ રૂ.32,500 નો મુદ્દામાલ લઈ જનાર અજાણ્યાં ઈસમ વિરૂદ્ધ બોરસદ સીટી પોલીસે ગુનો દાખલ કર્યો છે.
70