2 કરોડ સામે ટ્રસ્ટના ખાતામાં રૂ.2.80 કરોડ આપવાનું કહી રાજકોટના વેપારી સાથે ઠગાઈ
કંપનીમાં રોકડા રૂ.2 કરોડ આતો તેની સામે અમે કમિશન સાથે રૂ.2.80 કરોડ ટ્રસ્ટના એકાઉન્ટમાં જમા કરાવીશું. જે પૈસા ઈન્કમટેક્સમાંથી કંપનીને બાદ મળશે, તેવું કહી રાજકોટના અનાજના વેપારી પાસેથી ગઠિયા ટોળકીએ રૂ.2 કરોડ મેળવી લઈ આંગડિયાથી તે પૈસા મુંબઈ અને મુંબઈથી દુબઈ મોકલી દઈ છેતરપિંડી કરતાં ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ થઈ છે.
સૂત્રોના કહેવા મુજબ રાજકોટના ચેતનભાઈ અમલાણી રાજકોટ જૂના માર્કેટિંગ યાર્ડમાં શ્રીજી એન્ટરપ્રાઈઝ નામથી પેઢી ધરાવીને અનાજ કરિયાણાનો ધંધો કરે છે. હિતેશ રાઠોડે તેમને ફોન કરીને એક કંપનીમાં રોકડેથી પૈસા આપી 8 ટકા કમિશન સાથે ટ્રસ્ટના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી આપવાની વાત કરી હતી. જેના માટે અમદાવાદ બોલાવી અશ્વિન ઝવેરી નામના વ્યક્તિ સાથે મુલાકાત કરાવી દુબઈમાં રહેતા સંદિપ પાટીલ સાથે ડિલ કરવાનું કહ્યું હતું.
ચેતનભાઈએ યશોનંદન ગીરગાય ટ્રસ્ટ ચલાવતા ઘનશ્યામભાઈને વાત કરતાં તે પૈસા એકાઉન્ટમાં લેવા સંમત થયા હતા. અશ્વિનભાઈને પૈસાની વાત કરતાં તેણે સિંધુભવન રોડ પરની વી.પટેલ ફાસ્ટ સર્વિસ નામની આંગડિયા પેઢીમાંથી જ વ્યવહાર કરવો પડશે તેવો આગ્રહ રાખતા ચેતનભાઈએ 2 કરોડ જમા કરાવ્યા હતા. પરંતુ ઘનશ્યામભાઈના એકાઉન્ટમાં પૈસા નહીં આવતા આંગડિયા પાસે પૈસા પાછા માગતા તે પૈસા અશ્વિનભાઈએ આંગડિયા મારફતે મુંબઈ અને ત્યાંથી બીજા આંગડિયા મારફતે પૈસા દુબઈ મોકલી દીધા હોવાનું કહ્યું હતું.
