ચાંગોદરમાં ટ્રકમાથી રિક્ષામાં દારૂનું કટિંગ થતાં સમયે પોલીસ ત્રાટકી : 3 ઇસમો ફરાર
સાણંદના ચાંગોદરમાં રીક્ષામાં થતું દારૂનું કટીંગ પકડી પોલીસે 384 બોટલ દારૂ સહિત રૂ. 7.53 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ચાંગોદર પોલીસ સ્ટેશનના પી.આઈ એ.પી.ચૌધરીને બાતમી મળેલ કે ચાંગોદર ખાતે સર્વિસ રોડ ઉપર રાજસ્થાન પાર્સિંગનો એક ડાલું પડેલ છે અને તેમાંથી એક સી.એન.જી રીક્ષામાં હેરફેર કરે છે, જેથી છાપો મારતા દૂરથી 3 ઇસમો પોલીસની ગાડી જોઇ ભાગી ગયા હતા, પોલીસે તપાસ કરતાં ટ્રકની પાછળની સાઇડ સામાન ભરેલ હતો અને તેની ઉપર તાડપત્રી ઢાંકેલ હતી, જેથી તાડપત્રી ઉંચી કરી તપાસ કરતાં ટ્રકની પાછળના પાટીયા પાસે પ્લાસ્ટિકની થેલીઓમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂના 12 બોક્ષ ભરેલ મળી આવ્યા હતા અને આગળના ભાગે સફેદ પાવડરની થેલીઓ ભરેલ હતી. રીક્ષામાંથી દારૂના 4 બોક્ષ મળ્યા હતા.

ચાંગોદર પોલીસે કુલ 384 બોટલો કિં.રૂ.1,11,600નો જથ્થો, ટ્રક કી.રૂ.5 લાખ, પ્લાસ્ટીકની ડૉલામાઇટ પાવડર 50 કી.ગ્રા.ની 500 નંગ થેલી જેની કુલ કિ.રૂ 41948, સી.એન.જી રીક્ષા કિ.રૂ.1 લાખ મળી રૂ.7,53,548નો મુદ્દામાલ જપ્ત કરી અમદાવાદના રીક્ષા ચાલક સામે તપાસ હાથ ધરી છે. પાવડરની 500 થેલી મોરૈયાની કંપનીમાં લઈ જવાની હતી ચાંગોદર પોલીસે પકડેલ ટ્રકમાંથી ટ્રકના કાગળો તેમજ મેવર ઇંડસ્ટ્રીયલ એરીઆની માદરી ઉદયપુરથી પ્લાસ્ટીકની થેલીમાં ડૉલામાઇટ પાવડર 50 કી.ગ્રા.ની 500 નંગ થેલીઓ (કિ.રૂ 41948) મોરૈયાની ખાનગી કંપનીમાં ઉતારવા જવાનો હતો. ટ્રકમાંથી 16 પેટી દારૂ પકડાયો હતો.
