રાજ્યમાં આગામી અઠવાડિયામાં ભારે વરસાદની સંભાવના નહિવત્, હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં આગામી અઠવાડિયામાં કોઈ ભારે વરસાદની સંભાવના ના હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે, સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા વરસાદની આગાહી આપી છે. વરસાદીની ગતિ ધીમી પડશે અને ચોમાસું વિદાય લઈ રહ્યું છે. રાજ્યમાં હાલ કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. જો કે અમદાવાદ, ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી પણ કરાઈ છે.
રાજ્યમાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે, જેના કારણે શહેરીજનોને ગરમીના બફારાનો માર સહન કરવો પડી રહ્યો છે,જેમ જેમ ભેજનું પ્રમાણ ઓછુ થશે તેમ ગરમીમાંથી રાહત મળશે.અમદાવાદમાં ગરમીનું પ્રમાણ વધારે છે પરંતુ દરિયા કિનારાના આસપાસના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ ઓછું છે એટલે ત્યાં વધારે ગરમી પડવાની શકયતા ઓછી છે.
ગુજરાતમાં હાલ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, વરસાદની હાલ મજબૂત સિસ્ટમ સક્રિય ન રહેતા ભારે વરસાદ પડે તેવી શક્યતા દેખાતી નથી. જો કે રાજ્યમાં ક્યાંક છૂટોછવાયો વરસાદ રહી શકે. અમદાવાદના મહત્તમ તાપમાનમાં સમાન્ય કરતા 1.4 ડિગ્રી નો વધારો થયો છે. તાપમાન વધતા બાફરાનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 32.7 રહ્યું. હાલ ચાર સિસ્ટમ સક્રિય પરંતુ તે ગુજરાતમાં ભારે વરસાદ લાવે તેવી શક્યતા નહિવત છે.
15 સપ્ટેમ્બરથી ચોમાસું ધીરે ધીરે વિદાય લે તેવી સંભાવના છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ ધાનેરામાં 3.22 ઈંચ નોંધાયો છે. રાજ્યના 15 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.
