વાહન ચોરીનાં બે ગુનાને અંજામ આપનાર ચોરને પૂર્વ બાતમીના આધારે 45 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધો
ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી છેલ્લા ઘણા સમયથી વાહન ચોરીના બનાવો સતત વધી રહયા છે ત્યારે સે-21 પોલીસની ટીમે પોલીસ મથકની હદમાં વાહન ચોરીનાં બે ગુનાને અંજામ આપનાર ચોરને ઝડપી લીધો છે. વાવોલ ગામના ચોરને પૂર્વ બાતમીના આધારે 45 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સે-21 પોલીસની ટીમને બાતમી મળી હતી કે, ગાંધીનગર શહેરમાં વાહન ચોરી કરતો એક શખ્સ સેકટર – 25 જીઆઇડીસી સરકારી વસાહત રોડ ઉપર ચોરીનું એકટીવા લઇ ફરી રહ્યો છે. જે બાતમી આધારે એલસીબી દ્વારા અત્રેના વિસ્તારમાં વોચ ગોઠવી દેવામાં આવી હતી. અને શંકાસ્પદ વાહનો સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો હતો.જેની પુછપરછમાં તેણે પોતાનું નામ શ્યામ ભીખુસિંહ રાઠોડ (રહેવાસી-ગોકુલપુરા, વાવોલ, મુળ વતન – ધનપુરા તા-વિજાપુર) હોવાનું જણાવ્યું હતું. જેની પાસેથી મળી આવેલ એક્ટિવા અને બાઇક અંગે પોલીસે કડકાઈથી પુછતાછ હાથ ધરતા તેણે કબુલાત કરેલી કે, બંને વાહનો સેકટર – 21 પોલીસ મથકની હદ વિસ્તારમાં ચોર્યા હતા.આ બંને વાહનો વેચવા માટે જીઆઇડીસી વિસ્તારમાં ફરતો હોવાની વધુમાં કબૂલાત કરી હતી. જેનાં પગલે કુલ રૂ. 45 હજારની કિંમતના બાઈક અને એક્ટિવાની જપ્ત લઈ શ્યામ રાઠોડની ધરપકડ કરી વધુ પૂછતાંછ હાથ ધરવામાં આવી રહી છે.
