ચેક રિટર્ન કેસમાં સજા : ઉનાવાના રહીશ પાસેથી ઉછીના લીધેલાં 20 લાખના ચેક રિટર્ન કેસમાં અમદાવાદના આરોપીને એક વર્ષની સજા

ઉનાવાના રહીશ પાસેથી ઉછીના લીધેલાં 20 લાખના ચેક રિટર્ન કેસમાં અમદાવાદના આરોપીને એક વર્ષની સજા ફટકારવામાં આવી છે. પૈસાની અવેજીમાં 10 – 10 લાખના બે ચેક લખી આપ્યા હતા. જે ચેક રિટર્ન થવાના કેસ ગાંધીનગર કોર્ટે અમદાવાદના શખ્સને તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા તેમજ 12 લાખનો દંડ ભોગવવાનો હુકમ કર્યો છે.

સોલા ખાતે રહેતા અમરીષ પંચોલી અને ગાંધીનગરના ઉનાવા ગામના રમેશભાઈ પ્રવીણભાઈ પટેલ એકબીજાને સારી રીતે ઓળખતા હતા. અમરીષભાઈને પૈસાની અંગત જરૂરિયાત પડતાં રમેશભાઈને વાત કરી હાથ ઉછીનાં 20 લાખ આપવા માટે કહ્યું હતું. એકબીજાને ઓળખતા હોવાથી રમેશભાઈએ વિશ્વાસ રાખીને ટુકડે ટુકડે રૂ. 20 લાખ અમરીષભાઈને હાથ ઉછીના આપ્યા હતા.જેની અવેજીમાં અમરીષભાઈએ બે પ્રોમીસરી નોટ લખી આપી પૈસા સમયસર પરત કરી દેવાનો પાક્કી ખાત્રી આપી હતી. અને 10 – 10 લાખના બે ચેક લખીને રમેશભાઈને આપ્યા હતા. જે ચેક તેઓએ તા. 21/12 /2021 નાં રોજ બેંકમાં જમા કરાવતા ફંડસ ઈનસફીસીયન્ટના શેરા સાથે ચેક પરત ફર્યો હતો. જે મામલે રમેશભાઈએ વકીલ મારફતે ડિમાન્ડ નોટિસ મોકલી આપવામા આવી હતી અને 27 જાન્યુઆરી 2022 ના રોજ નોટિસ ગઈ હોવા છતાં અમરીષભાઈએ પૈસા પરત કર્યા ન હતા.

જેનાં પગલે રમેશભાઈએ આખરે ગાંધીનગર કોર્ટમાં ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138 મુજબની ફરીયાદ દાખલ કરી હતી. જે કેસ ગાંધીનગરનાં ત્રીજા એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતાં બન્ને પક્ષકારોની દલીલોનાં અંતે કોર્ટે આરોપી અમરીષભાઈને તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા તેમજ 12 લાખનો દંડ ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે.

Social