બોપલમાં હિટ એન્ડ રન મામલો, સગીર પુત્રએ અકસ્માત કર્યા બાદ ફરાર પિતા મિલાપ શાહની ધરપકડ
બોપલમાં પૂરપાટ ઝડપે એક મર્સિડીઝ કાર નીકળી હતી અને સિક્યોરિટી ગાર્ડને ઉડાવ્યો હતો. આ બનાવમાં ગંભીર ઇજાઓ પહોંચતા સિક્યોરિટી ગાર્ડનું મોત નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટનામાં પોલીસે કાર ચલાવનાર સગીર અને તેના પિતા મિલાપ શાહ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. પુત્રએ અકસ્માત કર્યા બાદ કેમિકલ ટ્રેડિંગનો વેપારી પિતા મિલાપ શાડ ફરાર હતા. જેમની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવ અંગે ગ્રામ્ય હેડ ક્વાર્ટર SP મેઘા તવારે જણાવ્યું છેકે, 14 સપ્ટેમ્બરના રોજ બનેલી અકસ્માતની ઘટનામાં કાર કિશોર ચલાવી રહ્યો હતો. પિતાને જાણ હતી કે પુત્ર સહીર છે છતાં ગાડી આપી હતી. બનાવમાં બીએનએસની કલમ 105 ઉમેરવામાં આવી છે. બીએનએસ કલમ 183 અનુસાર નિવેદન લેવાયા છે. તેમજ કાર ચાલક કિશોર સામે એમવી એક્ટ કલમ 181નો ઉમેરો કરાયો છે. તેમજ મિલાપ શાહ સામે MV એક્ટ કલમ 199નો ઉમેરો કરાયો છે.
પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદના બોપલમાં 14 સપ્ટેમ્બરે શનિવારના રોજ રાત્રીના સમયે ગોવિંદસિંહ નામનો સિક્યોરિટી ગાર્ડ રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે પુરપાટ ઝડપે જતી એક કારે તેને અડફેટે લીધો હતો. ગંભીર ઈજાઓ પહોંચતા સિક્યોરિટી ગાર્ડને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બનાવના સીસીટીવી સામે આવ્યા હતા.સમગ્ર ઘટના અંગે મૃતકના ભાઈ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, કારના માલિક મિલાપ શાહ છે અને આ કાર તેમનો સગીર પુત્ર ચલાવી રહ્યો હતો. બનાવ અંગે પોલીસે મિલાપ શાહની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
