સાયબર ટોળકી બ્લેકમેઇલિંગથી ત્રાસી યુવકે આપઘાત કર્યો, 17 વર્ષીય સગીર સહિત બે ઝડપાયા

આ સમગ્ર બનાવમાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી અને કતારગામ પોલીસે રાજસ્થાનના અલ્વર જિલ્લાનાં ગોવિંદગઢ તાલુકામાં ઓપરેશન હાથ ધરી 17 વર્ષની સગીર સહિત બે વ્યક્તિને દબોચી લીધા હતા.

સૂત્રોના પાસેથી મળતી વિગત મુજબ ગત નવમીએ સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા 23 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જવેલરી શોપમાં નોકરી કરતો યુવકે કરેલો આપઘાત પરિવારજનો માટે આશ્વ ર્યજનક હતો, કારણ કે દેખીતી રીતે કોઈ સમસ્યા ન હતી.

સવારે આ યુવકની ડેડબોડીનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું હતું ત્યારે જ આ મૃતકનો ફોન રણક્યો હતો. ફોન મૃતકના પિતરાઈએ ઊંચક્યો હતો. યુવકના મોતથી અજાણ ટોળકીએ સીધી જ નાણાંની વાત કરી હતી અને નાણાં ટ્રાન્સફર કરવા કહેતાં પિતરાઈ ચોંક્યા હતા. 23 વર્ષીય યુવકે કરેલા આપઘાત માટે તેને બ્લેકમેઇલિંગ કરવામાં આવતું હોવાનું બહાર આવતાં તેનો મોબાઈલ ફોન ચેક કર્યો હતો. તેમાં તેને બ્લેકમેઇલિંગ કરી ખંડણી માંગતા મેસેજીસ પણ જોવા મળ્યા હતા.

એકાઉન્ટમાંથી 4500 જેટલી રકમ અજાણ્યા એકાઉન્ટમાં જમા પણ થઈ હોઈ સ્વજનો પોલીસ મથકે પહોચ્યા હતા.આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને પોલીસની એક ટીમ રાજસ્થાનના અલવર જિલ્લામાં પહોંચી હતી. અહીં છતરપુરમાં ઓપરેશન હાથ ધરી બ્લેકમેઈલર ટોળકીનાં બરકત કાલુ ખાન અને ૧૭ વર્ષીય સગીરને દબોચી લીધા હતા.

આરોપીની શોધખોળ કરવા માટે કતારગામ પોલીસની એક ટીમ રાજસ્થાનના અલવર પહોંચી હતી. આરોપીને શોધવા માટે પોલીસ બાઈક પર ફરી હતી તેમજ વેશપલટો કરીને સતત પાંચ દિવસ ત્યાં રોકાઈ હતી. આરોપીઓ પાસેથી પાંચ મોબાઈલ મળી આવ્યા છે. તેમના એકાઉન્ટમાં 93 હજાર રૂપિયા પણ છે જે જપ્ત કરાયા છે.

હાલ આરોપીઓ પાંચ દિવસના રિમાન્ડ પર છે. હાલ આ મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. સુરત પોલીસ કમિશ્નર અનુપમ સિંહ ગેહલોતએ જણાવ્યું હતું કે જો કોઈ પણ વ્યક્તિ આવી ગેંગનો શિકાર બને છે તો કોઈ પણ જાતનો ડર રાખ્યા વિના પોલીસનો તાત્કાલિક સંપર્ક કરે પોલીસ દ્વારા ચોક્કસપણે તેઓની મદદ કરવામાં આવશે.

Social