સનાથલ ચોકડીથી પ્રભા હનુમાન રૂટ પર AMTS ડ્રાઇવરે દારૂ પીને બસ ચલાવી 20ના જીવ અધ્ધર કર્યા
AMTS બસના ડ્રાઇવરે ગુરુવારે બપોરે દારૂ પીધેલી હાલતમાં બસ જોખમી રીતે ચલાવી અંદર બેઠેલા 15થી 20 લોકોના જીવ અધ્ધર કર્યા હતા. આ અંગે એક પેસેન્જરે પોલીસને જાણ કરતા પોલીસે થલતેજ હેબતપુર પાસેથી ડ્રાઇવરની ધરપકડ કરી હતી.
સનાથલ ક્રોસ રોડથી પ્રભા હનુમાન સુધીના રૂટ પર દોડતી એએમટીએસ બસના ડ્રાઇવર કાલુસિંગ રાયસિંગ ચાવડા બસમાં 15થી 20 પેસેન્જરોને લઈને નીકળ્યો હતો. જો કે કાલુસિંગ દારૂ પીધેલી હાલતમાં હોવાથી બસ આડીઅવળી ચલાવી રહ્યો હતો અને બસમાં લવારી કરી રહ્યો હતો. બસ થલતેજ હેબતપુર બ્રિજ નીચે રાજા પેલેસ બસ સ્ટેન્ડ પાસે આવવાની હતી ત્યારે એક પેસેન્જરે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ફરિયાદ કરી હતી, જેના આધારે વસ્ત્રાપુર પોલીસ ત્યાં પહોંચી હતી અને બસ ત્યાં આવતા પોલીસે કાલુસિંગની દારૂ પીધેલી હાલતમાં જણાતા તેની ધરપકડ કરી હતી.
