CM આંબરડી સફારી પાર્કની મુલાકાત લીધી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલી જિલ્લાના ધારીના આંબરડી સફારી પાર્કની મુલાકાત લીધી હતી. આંબરડી સફારી પાર્કમાં મુખ્યમંત્રીએ પ્રકૃતિ વચ્ચે વિહરતા સિંહોને અને આંબરડી પાર્કનો પ્રાકૃતિક વૈભવ પણ નિહાળ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે અમરેલી જિલ્લાની મુલાકાતે હતા. ત્યારે આજે તેઓએ અમરેલી શહેર ખાતે રૂપિયા 292 કરોડના 77 જેટલા વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ, ખાતમૂહુર્ત અને નવીનીકરણના ત્રિવિધ પ્રકલ્પોને ખુલ્લા મૂક્યાં હતાં. જે બાદ તેમણે ધારીના આંબરડી સફારી પાર્કની મુલાકાત લીધી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંબરડી ખાતે સૌ પ્રથમ ઈન્ટરપ્રિટેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. જે દરમિયાન તેમણે ગીરમાં સિંહના ઉદભવથી વર્તમાન વિસ્તરણ સુધીની ગાથાની ડિજીટલ પ્રસ્તુતિ નિહાળી હતી. એટલું જ નહિ, સાંભર બ્રિડિંગ સેન્ટર તથા વન્ય પ્રાણીઓ માટેના રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરની પ્રવૃત્તિની પણ વિગતો મેળવી હતી. ત્યારબાદ તેમણે આંબરડી સફારી પાર્કમાં આવતા પ્રવાસીઓ માટેના રૂટ પર પ્રાકૃતિક વૈભવ સાથે એશિયાટિક લાયનના વન વિચરણ નિહાળવાનો રોમાંચક અનુભવ પણ કર્યો હતો.
365 હેક્ટરમાં ફેલાયેલા આંબરડી સફારી પાર્કમાં મુખ્યમંત્રીએ બે નર અને એક માદા સિંહ એમ ત્રણ સિંહોને પ્રકૃતિ વચ્ચે વિહરતા નિહાળ્યા હતા. આ તકે નાયબ વન સંરક્ષક રાજદીપસિંહ ઝાલા અને વન અધિકારીઓ જોડાયા હતા અને જરૂરી વિગતો પૂરી પાડી હતી.
રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા 2017થી આ આંબરડી સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ પાર્કમાં ફુડ કોર્ટ, વિવિધ સેલ્ફી પોઇન્ટ્સ, વેઈટિંગ લૉન્જ અને વિશાળ પાર્કિંગ જેવી પ્રવાસન વિકાસ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

આ આંબરડી સફારી પાર્ક પૂર્વીય ગીરના લાક્ષણિક ટેકરાળ વિસ્તારમાં વન વિભાગ દ્વારા 365 હેક્ટરમાં નિર્માણ કરવામાં આવ્યો છે. સાસણગીર વિસ્તારના દેવળીયા સફારી પાર્ક ઉપરાંત આ સફારી પાર્ક સિંડદર્શન માટે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે એક મહત્વપૂર્ણ સિંહ દર્શન કેન્દ્ર છે.
ઇન્ટરપ્રિટેશન ઝોન તરીકે ઓળખાતો આ સફારી પાર્ક એશિયાટિક લાયન ઉપરાંત ઝરખ, ચિત્તલ, ચિંકારા અને કાળિયાર જેવા વિવિધ પ્રકારના વન્ય પક્ષીઓ માટે પણ વનવિચરણનું આકર્ષણ કેન્દ્ર છે. આ ઉપરાંત આ સફારી પાર્કમાં શ્વેતનયના, રાજાલાલ, બુલબુલ, લટોરા, શક્કરખોરા અને તેતર જેવા વિવિધ પક્ષીઓ અને ગીધ, શકરો અને મધીયો બાજ જેવા શિકારી પક્ષીઓ પણ આકાશમાં મુક્તપણે ઉડતા જોવા મળે છે. સાથોસાથ ઘો, અજગર, કેમેલીયોન અને અન્ય સરિસૃપો આ વિસ્તારને ખરા અર્થમાં જૈવવૈવિધ્યપૂર્ણ બનાવે છે.

Social