અમદાવાદમાં જ્વેલરી શોપ ધરાવતી મહિલા વેપારીની નજર ચૂકવી રૂ.6 લાખની મતાની ચોરી
BRTS બસમાં મુસાફરી કરતાં સમયે જ્વેલરી શોપ ધરાવતી મહિલા વેપારીની નજર ચૂકવી એક અજાણી વ્યક્તિ 6 લાખની મતા ચોરી કરી ગઈ હોવાની પોલીસ ફરિયાદ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. હાલ પોલીસે તપાસ શરૂ કરી છે.
મુંબઈમાં રહેતી મહિલા અમદાવાદના સીજી રોડ પર જ્વેલરી શોપ ધરાવતી હોવાથી મુંબઈના ગ્રાહકોને દાગીના બતાવવા તે દાગીના લઈને મુંબઈ ગઈ હતી. દાગીના પસંદ ન આવતા તે દાગીના લઈને પરત અમદાવાદ આવી બીઆરટીએસ બસમાં જેઠના ઘરે જતી હતી, તે સમયે કોઈ અજાણી વ્યક્તિએ મહિલાની નજર ચૂકવી રૂ.6 લાખના દાગીના અને રોકડ મળી રૂ.6.07 લાખની મતાની ચોરી કરતાં મહિલાએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મુંબઈના કાંદિવલી વિસ્તારમાં રહેતી સુનિતા શાહ સીજી રોડ પર જ્વેલરી શોપ ધરાવે છે. સુનિતા મુંબઈના ગ્રાહકો માટે સીજી રોડની દુકાનેથી દાગીના લઈ જઈ મુંબઈમાં વેચાણ કરે છે. ગત 2 જુલાઈએ તેમને ઓર્ડર મળતા તેઓ સોનાનું પેન્ડન્ટ, બ્રેસલેટ મળી છ લાખના દાગીના લઈ મુંબઈ ગયા હતા.
મુંબઈમાં સોની વેપારીને દાગીના પસંદ ન પડતા તેઓ ટ્રેન દ્વારા અમદાવાદ આવી બીઆરટીએસ બસમાં જેઠના ઘરે સેટેલાઇટ જતા હતા ત્યારે સેટેલાઇટ ઊતરીને પર્સ જોતાં ચેઇન ખુલ્લી હતી અને પર્સમાંથી 6 લાખના દાગીના તથા 7 હજાર રોકડા મળી 6.07 લાખની મતાની ચોરી થઇ હતી. આ મામલે સેટેલાઇટ પોલીસે અરજી લઈ તપાસ કરી પણ આરોપી સુધી ન પહોંચી શક્તા આખરે પોલીસને ફરિયાદ નોંધવાની ફરજ પડી છે.
