સ્કૂલથી આવી ફતેહવાડી કેનાલમાં ન્હાવા પડેલાં બે સગીર બાળકોના મોત
સરખેજ ફતેવાડી કેનાલ પાસે રહેતા 12 અને 11 વર્ષના બે બાળકો કેનાલમાં ન્હાવા માટે પડ્યા બાદ ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા. 11 વર્ષીય બાળકનો મૃતદેહ કેનાલમાંથી મળ્યો જ્યારે બીજા બાળકનો મૃતદેહ બાકરોલ નરીમનપુરા નજીકથી પસાર થતી કેનાલમાંથી મળ્યો હતો.
સરખેજના ફતેવાડીમાં રહેતા જુદા જુદા પરિવારના બે બાળકો સમીર સિકંદર ઈશક્યાની (ઉ.વ.12) અને અફઝલ શેખ (ઉ.વ.11) બંને સાથે સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. ગુરુવારે બપોરે સ્કુલેથી ઘરે આવ્યા બાદ પરિવારને જાણ કર્યા વગર જ ફતેહવાડી કેનાલમાં નાહવા માટે ગયા હતા. મોડી સાંજ સુધી બાળકો ઘરે આવ્યા ન હોવાથી બન્ને પરિવારે બાળકોની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ મળી આવ્યા ન હતા. આ દરમિયાન 11 વર્ષીય અફઝલ શેખનો મૃતદેહ ફતેહવાડી કેનાલમાંથી મળ્યો હતો. બીજા બાળકનો પતો ન લાગતા સર્ચ ઓપરેશન હાથ ધરતા બાકરોલ નજીક આવેલી નરીમનપુરાની કેનાલમાંથી સમીરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી બાળકો કેવી રીતે પહોંચ્યા તે મામલે તપાસ શરૂ કરી છે.
