બાકરોલમાં પ્રેમ સંબંધથી નારાજ પિતા અને પરિવારના 4 સભ્યએ દીકરીની હત્યા કરી

દસ્ક્રોઈ જિલ્લાના બાકરોલ ગામમાં રહેતી યુવતીને તેની જ જ્ઞાતિના યુવક સાથે લગ્નની જીદ કરતા પિતા અને યુવતીના પિતરાઇભાઈએ અન્ય પરિવારના ત્રણ સભ્યો સાથે ભેગા મળીને તેનું ગળેટૂંપો આપીને હત્યા કરી નાખી હતી. જ્યારે અનગઢ ગામ પાસે હત્યા કર્યા બાદ કોઈને જાણ ન થાય તે માટે નિકાલ કરવા સ્મશાનમાં રાતોરાત અંતિમવિધિ કરી દીધી હતી. આ કેસમાં કણભા પોલીસે પિતા,મૃતકનો પિતરાઈ ભાઈ સહિત પાંચેય આરોપીની ધરપકડ છે.
પોતાની પુત્રી માનસી ઉર્ફે હિનાએ લગ્ન કરવાની જીદ કરતા પિતા અરવિંદસિંહ તેના ભત્રીજા ગજેન્દ્રસિંહે હત્યાનો પ્લાન ઘડયો હતો. અરવિંદસિંહ વડોદરા નજીક અનગઢ ખાતે માતાજીની માનતા પૂરી કરવા ગજેન્દ્રસિંહ માનસીને લઈને ગયા હતા. બાદમાં માનતા પુરી કરીને કેનાલમાં ફેંકી દીધી અને ગળાટુંપો આપીને હત્યા કરી હતી. ત્યારબાદ ત્યાંથી લાશ લઈને ગાડીમાં બાકરોલ ખાતે આવ્યા હતા. બાકરોલના સ્મશાનમાં પાંચે જણાએ ભેગા મળીને હિનાની લાશને રાતના અંધારામાં ચોરી છૂપીથી સળગાવી દઈને અંતિમવિધિ કરી હતી. આરોપીઓએ હત્યા કર્યા બાદ પૂરાવાનો પણ નાશ કર્યો હતો.

કણભા પોલીસને સ્મશાનમાં કોઈ લાશની અંતિમવિધિ કરાઈ હોવાની જાણ થઈ હતી. મોડીરાત્રે અંતિમવિધિ થઈ હોવાથી પોલીસને શંકા હતી. જેથી પોલીસે અંતિમવિધિની જગ્યાએથી લાશના બળી ગયેલા હાડકાના અવશેષોના અલગ અલગ ત્રણ સેમ્પલ લઈને FSLમાં તપાસ માટે મોકલ્યા હતા. પોલીસે મૃતક અંગે તપાસ કરી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે, માનસીને ગામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. પોલીસે માનસી ઉર્ફે હિનાના પરિવારના સભ્યોની વિગતવાર પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, પરિવારના સભ્યોએ જ માનસીની હત્યા કરીને લાશની અંતિમવિધિ કરી દીધી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરી છે.

Social