ભુજમાં ACBની સફળ ટ્રેપ, મકાનની આકારણી માટે રૂ. 2 લાખની લાંચ લેતા તલાટી અને વચેટિયો ઝડપાયા

ભુજમાં એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)ની ટીમે ટ્રેપ ગોઠવીને મકાનની આકારણી માટે ફરિયાદી પાસેથી રૂ. 2 લાખની લાંચ સ્વીકારતા કુકમા ગ્રામ પંચાયતના તલાટી અને વચેટિયાને ઝડપી પાકયા છે. જ્યારે ગ્રામ પંચાયતના સભ્ય ફરાર થતાં તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આ કેસના ફરિયાદીએ કુકમા ગામમાં આવેલા પોતાના મકાનની આકારણી દાખલ કરાવવા માટે કુકમા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી વાઘસિંહ વાઘેલા અને પંચાયત સભ્ય ઉત્તમ રાઠોડનો સંપર્ક સાધ્યો હતો.

આ કામ કરી આપવા માટે તેઓએ ફરિયાદી પાસે 4 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. જે પૈકી 50 ટકા રકમ એડવાન્સમાં આપવાની ડીલ થઈ હતી. જો કે ફરિયાદી આ રકમ આપવા માંગતા ના હોવાથી તેઓએ ACBનો સંપર્ક કર્યો હતો.

જેથી ACBની ટીમે કુકમા ગામના બસ સ્ટેન્ડ નજીક આવેલ શિવસાગર નાસ્તા સેન્ટર પર ટ્રેપ ગોઠવી હતી. જ્યાં ફરિયાદી પાસેથી રૂ. 2 લાખની એડવાન્સ રકમ સ્વીકારતા તલાટી વાઘસિંહ અને વચેટિયા નિરવ પરમારને ઝડપી પાડયા હતા. જ્યારે પંચાયત સભ્ય ઉત્તમ રાઠોડની શોધખોળ હાથ ધરી છે.

Social