સાત દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં હાલમાં તાપમાનનો પારો 30 ડિગ્રી સેલ્સિયસ કરતા વધુ નોંધાઈ રહ્યો છે.કેટલાક જિલ્લાઓમાં તો મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રી સેલ્સિયસ કરતા પણ ઊંચો જઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ એક વરસાદી રાઉન્ડની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 22 સપ્ટેમ્બરથી સાત દિવસ દરમિયાન રાજ્યમાં વિવિધ ભાગોમાં ક્યાંક મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગ દ્વારા 22 સપ્ટેમ્બરથી સાત દિવસ દરમિયાન એટલે કે, 28 સપ્ટેમ્બર સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. કારણ કે, આજથી બંગાળની ખાડી ઉપર જે સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય થયું છે, તેની અસર વર્તવાની શરૂઆત થશે. તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આવતીકાલથી હળવા વરસાદી ઝાપટાની શક્યતાઓ છે. જ્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ સંપૂર્ણપણે છે. આ વરસાદ નવરાત્રિની શરૂઆતના દિવસોમાં વિઘ્ન બની શકે છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં રાજ્યનું મહત્તમ તાપમાન મુખ્યત્વે સામાન્ય રહ્યું છે, તેમ છતાં અમદાવાદ અને અન્ય કેટલાક જિલ્લાઓમાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન સામાન્ય કરતાં એકથી બે ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાઈ રહ્યું છે. જે હજુ પણ આગામી 24 કલાક યથાવત્ રહેવાની શક્યતાઓ છે.

Social