35 હજારમાં ગર્ભપરીક્ષણનું રેકેટ પકડાયું, નરોડાના MD ગાયનેક સામે કાર્યવાહી થશે..
નરોડામાં માત્ર રૂ.35 હજારમાં ગર્ભપરીક્ષણ કરવાનું રેકેટ પકડાયું છે. એક વ્યક્તિ ડમી ગ્રાહક બની ગર્ભપરીક્ષણ માટે ખાનગી હોસ્પિટલમાં ગયો હતો. તેણે બધી વિગતો મોબાઈલમાં રેકોર્ડ કરી જિલ્લા પંચાયત અને આરોગ્ય વિભાગને જાણ કરી હતી. હવે પીએનડીટી એક્ટ હેઠળ એમડી ગાયનેક ડૉક્ટર સામે કાર્યવાહી કરવામાં આવશે.
ફરિયાદને પગલે પંચાયતના અધિકારીઓ અને ડૉક્ટરોની એક ટીમે હોસ્પિટલમાં જઈ પુરાવા એકત્ર કર્યા હતા અને ગર્ભપરીક્ષણ માટેનું મશીન સીલ કર્યું હતું. જિલ્લા હેલ્થ ઓફિસર શૈલેષ પરમારે કહ્યું, ડૉક્ટર સામે પીએનડીટી એક્ટ હેઠળ કોર્ટમાં કેસ કરાયો છે. તેમણે શહેરમાં ચાલતા ગેરકાયદે ગર્ભપરીક્ષણ સામે ઝુંબેશ ચાલુ કરવાની વાત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગર્ભપરીક્ષણ કરવું કાનૂની અપરાધ હોય છે. દરેક હોસ્પિટલોમાં આ અંગેના બોર્ડ પણ મારેલાં હાેય છે. ડમી ગ્રાહકે હોસ્પિટલમાં ચાલતા રેકેટની બધી વિગતો ચૂપકીદીથી રેકોર્ડ કરી સરકારી વિભાગને પૂરી પાડી હતી. જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર હોસ્પિટલને પણ સીલ મારી દેવામાં આવ્યું છે. કેટલા સમયથી અહીં કૌભાંડ ચાલતું હતું અને તેમાં કોની કોની સંડોવણી છે તેની તપાસ કરવામાં આવશે.
જિલ્લા પંચાયત દ્વારા વર્ષ 2004થી અત્યાર સુધી કુલ 16 જેટલી મશીનો સીલ કરી કાર્યવાહી કરવામા આવી છે. જેમાં તમામ હોસ્પિટલો વિરૂદ્ધ ક્રિમિનલ કેસ કરી તેઓની વિરૂદ્ધ કોર્ટમાં કેસ ચલાવવામા આવતો હોય છે. કોર્ટનો ચૂકાદો આવ્યા પછી મેડિકલ એસોશિએશન દ્વારા લાઈસન્સ રદ કરવા કાર્યવાહી થતી હોય છે. આવનારા દિવસોમા આવા કૃત્યો વિરુદ્ધ વધુમાં વધુ કેસો કરી ગેરરીતીને રોકવાનો જિલ્લા વહીવટી તંત્રનો પ્રયાસ સતત ચાલુ રહેશે.
