બ્લેકમેઇલિંગના ઇરાદા સાથે પોલીસને ખોટી અરજીઓ કરનાર બે તત્વો વિરૂદ્ધ ક્રાઇમ બ્રાંચે ગુનો દાખલ કર્યો
પોલીસને બદનામ કરવા માટે તેમજ લોકો પાસેથી રૂપિયા પડાવવાના ઇરાદા સહિત અનેક મુદ્દાઓ પર નનામી તેમજ બેનામી અરજીઓ કરતા સ્વ-ઘોષિત સામાજિક કાર્યકરો પર હવે પોલીસ તવાઇ બોલાવવાની શરૂ કરી દીધી છે.
બ્લેકમેઇલિંગના ઇરાદા સાથે પોલીસને ખોટી ખોટી અરજીઓ કરનાર બે તત્વો વિરૂદ્ધ ક્રાઇમ બ્રાંચે ગુનો દાખલ કર્યો છે. ખોટા નામ અને સરનામા સાથે બન્ને તત્વોએ પોલીસ કમિશનરને અરજી કરી હતી. જેમાં તપાસ કરતા ભાંડો ફૂટ્યો છે. અરજીમાં અમદાવાદના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ કેટલા હપ્તા લઈ રહ્યા છે અને તેમના તેમના વહીવટદાર કોણ કોણ છે તેની માહીતી હતી. અરજીની તપાસ પોલીસ કમિશનરે ક્રાઇમ બ્રાંચને આપી હતી. ક્રાઇમ બ્રાંચે અરજી પર તપાસ કરતા ફરિયાદી કોઈ હયાતમાં નહી હોવાનું સામે આવતા ભાંડો ફૂટ્યો હતો.
બહેરામપુરામાં આવેલા નવનીવ ફ્લેટમાં રહેતા કિશોર મકવાણા નામના વ્યકિતએ પોલીસ કમિશનર જી.એસ.મલિકને એક ફરિયાદ રજિસ્ટર કરી હતી. ફરિયાદમાં અમદાવાદના તમામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સપેક્ટર તેમના વહીવટાદર મારફતે કેટલો હપ્તો લઇ રહ્યા છે તેની તમામ વિગતો હતી. રજિસ્ટર આઇડીથી આવેલી અરજીની ગંભીરતાને લઈને પોલીસ કમિશનરે તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપી હતી. ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સપેક્ટર એસ.જે. જાડેજાએ અરજીના મામલે તપાસ શરૂ કરી હતી. ફરિયાદ કરનાર ફરિયાદીનું નિવેદન લેવાનું જરૂરી હોવાથી ક્રાઇમ બ્રાંચની ટીમે કિશોર મકવાણાને નોટિસ આપવા માટે બહેરામપુરા પહોંચી હતી. કલાકો સુધી શોધખોળ કર્યા બાદ ક્રાઇમ બ્રાંચને સ્થાનિકો પાસેથી જાણવા મળ્યુ હતું કે, બહેરામપુરામાં નવનીત નામથી કોઈ ફ્લેટ છે જ નહીં. નવનીત ફ્લેટ નહીં હોવાથી ક્રાઇમ બ્રાંચને ખાતરી થઈ ગઈ હતી કે, કિશોર મકવાણા નામનો પણ કોઈ શખસ નથી. પોલીસની છબી ખરાબ કરવા તેમજ ગેરમાર્ગે દોરવાના હેતુસર પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી હતી. બેનામી અરજી પૂરવાર થતાની સાથે જ ઉચ્ચ અધિકારીઓએ આવી અરજી કરનાર તત્વો વિરૂદ્ધ લાલ આંખ કરવાનું નક્કી કરી લીધું હતું.
ક્રાઇમ બ્રાંચે અરજી કરનારને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં તેમને સફળતા મળી છે. ક્રાઇમ બ્રાંચે અરજી કરનાર અલી હૈદર અને રફી ઉર્ફે થાપા નામના યુવકો છે જે વટવા ખાતે રહે છે. બન્ને શખસે કિશોર મકવાણાના નામ ઉપર પોલીસ કમિશનરને અરજી કરી હતી. બન્ને શખસે પોતાની જાતને સ્વ-ઘોષિત સામાજિક કાર્યકરો સમજી રહ્યા છે. બન્ને શખસ વિરૂદ્ધ ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
