દ્વારકા હાઇવે પર ગોઝારો અકસ્માતમાં 7ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

દેવભૂમિ દ્વારકાના પાદરમાં એક ખાનગી બસ તથા સ્વિફ્ટ અને ઈક્કો મોટરકાર વચ્ચે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં સાત મુસાફરોના સ્થળ પર જ કમકમાટી ભર્યા મોત નીપજ્યાં છે. જ્યારે 10થી વધુ મુસાફરોને નાની મોટી ઈજા થઈ છે.
આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે વાહનોના ફૂરચા બોલી ગયા હતા. આ ગોઝારા અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકો સહિત 7 લોકોના મોત થયા છે. જ્યારે અકસ્માતમાં મૃતકોમાં બે માસૂમ બાળક પણ સામેલ છે. મળતી વિગતો મુજબ મોટાભાગના મૃતકો ગાંધીનગરના કલોલ તાલુકાના પલસાણા ગામના રહેવાસી છે. આ ઘટનાના પગલે સમગ્ર દ્વારકા જિલ્લાની રેસ્ક્યૂ ટીમ, ડોક્ટરો, સેવાભાવી કાર્યકરો ઘટનાસ્થળે દોડી ગયા અને રાહત બચાવની કામગીરી હાથ ધરી હતી.
દ્વારકા-ખંભાળિયા ધોરીમાર્ગ પર દ્વારકાથી આશરે 6 કિલોમીટર દૂર બરડીયા ગામ પાસેથી આજરોજ રાત્રે આઠેક વાગ્યાના સમયે પસાર થઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની એક બસ આડે કોઈ પશુ ઉતરતાં તેને બચાવવા માટે બસના ચાલકે કાવો માર્યો હતો. જેના કારણે આ બસ ડીવાઈડર ટપીને રોડની એક તરફ પલટી ખાઈ ગઈ હતી. આ સમયે દ્વારકા તરફથી આવી રહેલી એક સ્વીફ્ટ કાર અને તેની સાથે એક ઈક્કો કાર વચ્ચે ત્રિપલ અકસ્માત બાદ પાછળ આવી રહેલું એક મોટર સાઇકલ પણ આ અકસ્માતગ્રસ્ત વાહન સાથે ટકરાયું હતું. આ ઘટનામાં અન્ય એક રાહદારી પણ આ અકસ્માતની અડફેટે આવ્યો હતો.
10થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ થતાં દ્વારકાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ ખંભાળિયા સ્થિત ડીસ્ટ્રીક્ટ જનરલ હોસ્પિટલ ખાતે તમામને ખસેડવામાં આવ્યા હતા. બનાવના પગલે ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ સહિત અધિકારીઓએ ઘટનાસ્થળે દોડી જઈ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં મદદરૂપ થયા હતા.

Social