શેલાની યુવતીને ન્યૂડ વીડિયોથી બ્લેકમેઇલ કરનાર યુવક પુણેથી પકડાયો
શેલાની યુવતીને ઇન્સ્ટાગ્રામ પર મહારાષ્ટ્રના પુણેના યુવક સાથે સંપર્ક થયો હતો અને યુવકે આ યુવતીનો ન્યૂડ વીડિયો બનાવી યુવતીને બ્લેકમેઇલ કરી માનસિક ત્રાસ આપતા યુવતીના પરિવારે બોપલ પોલીસમાં યુવક વિરુદ્ધ ફરિયાદ કરતાં પોલીસ યુવકને પુણેથી પકડીને અમદાવાદ લાવી છે.
શેલામાં એક યુવતી ઇન્સ્ટાગ્રામ પર મહારાષ્ટ્રના પુણેના શાહિલ એહમદ ઈબ્રાહીમ સતારકર સાથે સંપર્કમાં આવી હતી અને ગત વર્ષે ડિસેમ્બરમાં યુવતી ગોવા કેમ્પમાં ગઈ હતી યુવક પણ ત્યાં પહોચ્યો અને બન્ને વચ્ચે બોલાચાલી થતા યુવકે યુવતીના હાથે સિગરેટના ડામ આપ્યા હતા અને કેમ્પમાં સમયસર યુવતી પરત ન આવતા યુવતીના પરિવારને જાણ થઈ અને ત્યારબાદ યુવતી કેમ્પ પર પરત આવતા બીજા જ દિવસે માતા પિતા ગોવા પહોચ્યા હતા અને જોયું તો દીકરીના હાથ પર ડામનાં નિશાન હતાં. સમગ્ર મામલો યુવતીએ તેના પરિવારને જણાવતા માતા-પિતા ચોંકી ઉઠ્યા હતા, અને ત્યાંથી યુવતીને પરત ઘરે લાવ્યા હતા.
જો કે ત્યારબાદ પણ આ યુવકે સોશિયલ મીડિયાથી વીડિયો કોલ કરી યુવતીને કપડાં ઉતરાવ્યાં હતા અને પછી વીડિયો ઉતારી લીધો અને યુવતીને બ્લેકમેઈલ કરી વિડીયો વાઈરલ કરી દેવાની ધમકી આપી ક્યૂઆર કોડ મોકલી રૂપિયાની માંગણી કરતો હતો. યુવતીને વીડિયો કોલ કરી હાથ પર બ્લેડ મારવાનું, સિગારેટ પીવાનું અને તેના મિત્રો સાથે વાત કરવા કહેતો હતો, યુવતીને નસ કાપી નાખવાનું કહેતા યુવતીએ હાથ પર બ્લેડ મારી હતી. આ ઘટનાને લઇને યુવતીનો પરિવાર ભાંગી પડ્યો હતો, યુવતીના માતાએ તાજેતરમાં મહારાષ્ટ્રના પુણેના શાહિલ એહમદ ઈબ્રાહીમ સતારકર વિરુદ્ધ બોપલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
અમદાવાદ ગ્રામ્ય SPએ આરોપીને પકડવા અલગ અલગ ટીમો બનાવી હતી અને પુણે જઈ આરોપીને પકડીને અમદાવાદ લાવ્યા હતા. પોલીસે જે આરોપીની અટક કરી તપાસમાં કરતાં સામે આવ્યું છે કે આરોપી શાહિલ એહમદ ઈબ્રાહીમ સતારકર 21 વર્ષનો છે જે તાજ કોર્નર નામથી ફ્રૂટનો ધંધો કરે છે, અને ઈન્સ્ટાગ્રામ, સ્નેપચેટ અને વોટ્સએપના માધ્યમથી યુવતી સાથે જોડાયેલો હતો અને પૈસા પડાવવા યુવતીને બ્લેકમેઇલ કરતો હતો.
