આગામી 11 ઓક્ટોબરે 9મા નોરતે રૂપાલમાં પલ્લી ભરાશે, વરદાયિની માતાના જયઘોષથી ગગન ગુંજી ઉઠશે

રૂપાલમાં વર્ષોની પરંપરા મુજબ આસો સુદ નોમના દિવસે માતાજીની પલ્લી ભરાશે. નોમના દિવસે રાત્રે 12 વાગ્યે રૂપાલમાં માતાજીની પલ્લી પરંપરાગત રીતે નીકળશે. આ વર્ષે 20 કરોડથી વધુ કિંમતના ઘીનો ચઢાવો થવાનો અંદાજ છે. રૂપાલ વરદાયિની માતાના મંદિર ટ્રસ્ટ દ્વારા પરંપરાગત પલ્લીને લઈ તૈયારીઓ કરી દેવામાં આવી છે. આજે પ્રથમ નોરતે મંદિર ખાતે ઘટ્ટ સ્થાપના વિધિ કરવામાં આવશે. આ વર્ષે 11 તારીખે રાત્રે માતાજીની પલ્લી નીકળશે. જેમાં ભક્તો દ્વારા માતાજીને ચોખ્ખા ઘીનો અભિષેક કરવામાં આવશે. રૂપાલ ગામમાં પલ્લી નીકળે ત્યારે શેરીઓમાં ઘીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાય છે.

ગાંધીનગર જિલ્લામાં આવેલાં રૂપાલ ગામમાં માતાજીની પલ્લીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ અંગે રૂપાલ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અને પ્રમુખ નીતિન પટેલે જણાવ્યું હતુંકે, દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ માટે આરોગ્ય, વાહન પાર્કિંગ અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે. રૂપાલમાં ઘી ચઢાવવાની વર્ષોથી ચાલતી પરંપરા છે. ઘી ચઢાવવાની માનતા દર્શનાર્થીઓ રાખતા હોય છે. પલ્લી પર ચઢાવાયેલું ઘી ચોક્કસ સમાજના લોકો દર વર્ષે લઈ જાય છે. પરંપરાગત માન્યતા અને વ્યવસ્થામાં અમારે ફેરફાર કરવાનો નથી. ગત વર્ષે કુલ 32 કરોડ રૂપિયાનું ઘી પલ્લીના મેળામાં પલ્લી પર ચઢ્યું હતું. વરદાયિની માતાના જયઘોષથી ગગન ગુંજી ઉઠશે.

Social