સાણંદના મોડાસર ખાતે ‘આરોગ્ય ચકાસણી કેમ્પ’ યોજાયો*
વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત અમદાવાદ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સાણંદ તાલુકાના મોડાસર ગામે આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન કરાયું હતું.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે અને જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. શૈલેષ પરમારના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પનો 600થી વધુ ગ્રામજનોએ લાભ લીધો હતો. જેમાં માતૃ આરોગ્ય, બાળરોગ, કાન-નાક-ગળાના રોગ, જનરલ સર્જરી, આંખોના રોગ, હાડકાના રોગ, ચામડીના રોગ, હૃદયરોગ જેવી બીમારીઓ વિશે ચેકઅપ કરાયું હતું. આ ઉપરાંત લેબોરેટરી તપાસ અને દવાઓનું વિતરણ પણ કરાયું હતું.
આ કાર્યક્રમમાં ‘મારું ગામ, સ્વચ્છ ગામ’ અને ‘મારું ગામ, તમાકુ મુક્ત ગામ’ બનાવવા હાકલ કરવામાં આવી હતી અને કેમ્પના લાભાર્થીઓને તમાકુ મુક્ત ગામ બનાવવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા.
આ આરોગ્ય કેમ્પમાં આર.સી.એચ.ઓ ડૉ. બી.આર. કાપડિયા, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ.ચિંતન દેસાઈ, સાણંદ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. બી.કે. વાઘેલા અને આરોગ્ય કર્મચારીઓ તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

