નરોડામાં બાઈક હટાવવાનું કહેતા વિધવા પર પુત્રવધૂ અને પૌત્રની સામે પડોશીએ છરીનો ઘા ઝીંક્યો

નરોડા રોડ પર આવેલી બંસીની ચાલીમાં રહેતી વિધવા પર પડોશમાં રહેતા બે ભાઈઓએ છરી વડે હુમલો કરતા મામલો બીચક્યો છે. વિધવા તેની પુત્રવધૂ અને પૌત્ર સાથે દિવાળીની રાતે ફટાકડા ફોડવા માટે ઘરની બહાર આવી હતી. જ્યાં પડોશમાં રહેતા યુવકનું બાઈ​​​​​ક પાર્ક થયું હોવાથી તેણે હટાવવા માટેનું કહ્યુ હતું. યુવકે બાઈક નહીં હટાવતા વિધવાને ગાળો બોલી હતી અને પુત્રવધૂ તેમજ પૌત્રની સામે છરી વડે હુમલો કરીને ભાગી ગયા હતા.

                     નરોડા રોડ પર આવેલી બંસીની ચાલીમાં રહેતી લક્ષ્મી રાઠોડે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં અજય સક્સેના અને વિજય સક્સેના વિરૂદ્ધ હુમલાની ફરિયાદ કરી છે. લક્ષ્મી રાઠોડ વિધવા છે અને તે તેના બે દીકરા સાથે સંયુક્ત પરિવારમાં રહે છે. લક્ષ્મી મારૂતી એસ્ટેટમાં નોકરી કરીને ગુજરાન ચલાવે છે. લક્ષ્મી જ્યાં રહે છે ત્યાં અજય સક્સેના પણ તેના પરિવાર સાથે રહે છે. દિવાળીની રાતે લક્ષ્મી તેની પુત્રવધૂ નિષા અને પૌત્ર હયાન ઘરની બહાર ફટાકડા ફોડવા માટે જઈ રહ્યા હતા ત્યારે અજયની બાઈક વચ્ચે પાર્ક કરી હતી. લક્ષ્મીએ અજયને બાઈક ખસેડી લેવાનુ કહ્યું હતું .જેને લઈને મામલો બીચક્યો હતો. અજયે લક્ષ્મીને જવાબ આપ્યો હતો કે, તમારે ફટાકડા જ્યાં ફોડવા હોય તો બીજે જઈને ફોડો હું મારૂ બાઈક નહીં હટાવું. અજય ગાળો બોલી રહ્યો હતો ત્યારે તેનો ભાઈ વિજય સક્સેના પણ ત્યાં આવી ગયો હતો. અજય અને વિજયે લક્ષ્મી રાઠોડને બેફામ ગાળો બોલવા લાગ્યા હતા. જેથી તેમણે ગાળો બોલવાની ના પાડી હતી. અજય એકદમ ઉશ્કેરાય જઈને તેની પાસે રહેલી છરી કાઢી હતી અને લક્ષ્મીના પગ પર હુલાવી દીધી હતી. લક્ષ્મીને પગમાં છરીનો ઘા વાગતા તેણે બૂમાબૂમ કરી દીધી હતી. જેથી અજય અને વિજય ત્યાંથી નાસી ગયા હતા. લક્ષ્મીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. તહેવાર હોવાના કારણે લક્ષ્મીએ કોઈ ફરિયાદ કરી નહીં. પરંતુ ગઈકાલે તેણે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. લક્ષ્મીની ફરિયાદના આધારે પોલીસે અજય અને વિજય વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
Social