સાણોદા- હાલીસા રોડ ઉપર બાઈકની ટક્કરથી રાહદારી યુવકનું સારવાર દરમિયાન મોત

સાણોદા- હાલીસા રોડ ઉપર બાઈકની ટક્કરથી રાહદારી યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. બાઈક ચાલકે પોતાનું બાઇક પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી રાહદારી યુવાનને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાનનું મોત નિપજતા દહેગામ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગરના મગોડી રાજપૂતવાસમાં રહેતા શૈલેષસિંહ કેશરીસંહ રાણા રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમના ચાર ભાઈ બહેન પૈકી પોપટજી પાંચેક દિવસથી તેની સાસરી સાણોદા ગામે રહેવા ગયો હતો. ગઈકાલે શૈલેષસિંહ સાંજના સમયે રીક્ષામાં ચિલોડાથી ગાંધીનગર પેસેન્જરમાં લઈને ફરતા હતા.એ વખતે સાડા સાતેક વાગે તેમના મામાએ ફોન કરીને પોપટજીને હાલીસા રોડ ઉપર અકસ્માત થયો હોવાની જાણ કરી હતી. જેનાં પગલે શૈલેષસિંહ તાત્કાલિક સાણોદા જવા માટે રવાના થઈ ગયા હતા. ત્યારે સાણોદા- હાલીસા રોડ ઉપર ભીડ જોઈને શૈલેષસિંહ રોકાઈ ગયા હતા. અને જોયેલ તો તેમનો નાનો ભાઈ પોપટજી રોડ ઉપર ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં પડ્યો હતો. જેનાં નાકના ભાગેથી લોહી વહી રહ્યું હતું.ત્યારે જાણવા મળેલ કે, પોપટજી રોડ ઉપરથી પસાર થઈ રહેલ એ વખતે બાઈકના ચાલકે પોતાનું બાઇક પૂરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી ટક્કર મારી હતી. જેનાં લીધે પોપટજીને ઈજાઓ થઈ હતી. જેને 108 એમ્બ્યુલન્સ મારફતે દહેગામ સરકારી દવાખાને લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગે દહેગામ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Social