બાકરોલના ઠપકાની દાઝ રાખી 7 ઈસમોએ છરા, ધારીયું, પાઈપ,ડંડાટીથી એક પર હુમલો કર્યો
આણંદના વિદ્યાનગરમાં સાત જણાંના ટોળાએ બે ભાઈઓ ઉપર છરા, ધારીયું, લોખંડની પાઈપ તેમજ ડંડા વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી છે. આ અંગે વિદ્યાનગર પોલીસે સાતેય હુમલાખોરો વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આણંદના બાકરોલ ગામમાં આવેલ દર્શન સોસાયટીમાં રહેતો યોગેશભાઈ રાજુભાઇ વાઘેલા છેલ્લાં ઘણાં સમયથી એક કિશોરીને હેરાન કરી રહ્યો હતો. જેથી આ કિશોરીના ભાઈએ યોગેશને ઠપકો આપ્યો હતો. જે બાદ બીજા દિવસે આ કિશોરીનો ભાઈ અને તેના મિત્રો વિદ્યાનગરમાં આસ્થા આંગનની બાજુમાં આવેલ એક ખેતરમાં લીમડાના ઝાડ નીચે બેઠાં હતાં. તે વખતે આ યોગેશભાઈ રાજુભાઇ વાઘેલા અને તેના સાત-આઠ સાગરીતો હાથમાં ધારીયું, છરો તેમજ લોખંડની પાઈપ લઈને ત્યાં આવી ચડ્યાં હતાં અને અગાઉ ઠપકો આપ્યાની વેર રાખી કિશોરીના ભાઈ સાથે ઝઘડો કર્યો હતો. અને કિરણભાઈ વિઠ્ઠલભાઈ પરમારે હાથમાંના છરા વડે, નિલેશભાઈ કશનભાઈ પરમારે ધારીયાં વડે તેમજ ધ્રુવ ઉર્ફે મોન્ટુ મિનેશભાઈ તળપદાએ લોખંડની પાઈપ વડે કિશોરીના ભાઈ ઉપર હુમલો કર્યો હતો.
આ હુમલામાં ધારીયા તેમજ છરાના ઘા વાગવાથી કિશોરીનો ભાઈ લોહીલુહાણ થયો હતો. આ બનાવ અંગે કિશોરીના ભાઈની ફરીયાદને આધારે વિદ્યાનગર પોલીસે યોગેશભાઈ રાજુભાઇ વાઘેલા, કિરણભાઈ વિઠ્ઠલભાઈ પરમાર, નિલેશભાઈ કશનભાઈ પરમાર, ધ્રુવ ઉર્ફે મોન્ટુ મિનેશભાઈ તળપદા, યોગેશભાઈ ચંદ્રકાંત પરમાર, હર્ષ પંકજભાઈ પરમાર અને કરણભાઈ ઉમેદભાઈ પરમાર વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
