અમદાવાદ રિલીફ રોડ પરથી પૈસાની હેરાફેરીનું રેકેટ પકડાયું, 236 ડેબિટ અને ક્રેડિટ કાર્ડ જપ્ત
રિલીફ રોડ પરના રિલીફ આર્કેડની એક દુકાનમાં નાણાની ગેરકાયદે હેરાફેરીની બાતમીને આધારે સીઆઈડી ક્રાઈમે દરોડા પાડ્યા હતા. દરોડામાં 3 વ્યક્તિ પાસેથી 236 ડેબિટ-ક્રેડિટ કાર્ડ, 7 ચેકબુક, 12 સ્વાઈપ મશીન, 46 મોબાઈલ મળીને રૂ.17.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. કમિશનથી કાર્ડ સ્વાઈપ કરી રોકડા પૈસા અપાતા હતા.
સલીમ મંસુરી, મોહસીનખાન પઠાણ અને મોહંમદફારુક પટણીએ દુકાન ભાડે રાખી હતી. માહિતીને આધારે એસપી મુકેશ પટેલની ટીમે દરોડો પાડયો હતો. તેમણે કહ્યું કે, કાર્ડ જુદી જુદી બેન્કોના હોવાથી તમામ બેન્કોને કાર્ડની યાદી મોકલી તેનાથી થયેલા ટ્રાન્ઝેક્શનની વિગત માગવામાં આવી છે. દુકાનમાં હાજર ત્રણેયની પોલીસે પૂછપરછ કરતા મોહંમદફારુક પટણી મોબાઈલનો, સલીમ મંસુરી અનાજનો ધંધો કરતો હોવાનું પકડાયું હતું. મોહસીનખાન પઠાણ કાર્ડ સ્વાઈપ કરીને કમિશન લઈને ગ્રાહકોને રોકડા પૈસા આપતો હતો.
દુકાનમાંથી પૈસાના ગેરકાયદે વ્યવહારોની શંકા હતી. આ ત્રણેય જે ધંધો કરતા હતા તેને અનુરૂપ કોઈ પણ પ્રકારના ખરીદ-વેચાણનાં બિલ કે અન્ય કોઈ ડોકયુમેન્ટસ મળી આવ્યા ન હતા. જેથી તેમની પાસે આટલા બધા લોકોના ડેબિટ – ક્રેડિટ કાર્ડ ક્યાંથી આવ્યા તેની પણ પોલીસે તપાસ શરુ કરી હતી.
