સુરેન્દ્રનગર પોલીસ પાસેથી કેસની તપાસ પાછી ખેંચી, હવે અમદાવાદ જિલ્લા DSPના સુપરવિઝનમાં LCB તપાસ કરશે

દારૂની ગાડી પકડવા જતા મૃત્યુ પામેલા પીએસઆઇની સમગ્ર કેસની તપાસ હવે સુરેન્દ્રનગર પોલીસ પાસેથી આંચકી લેવામાં આવી છે અને હવે આ તપાસ અમદાવાદ જિલ્લા એસપીના સુપરવિઝનમાં થવાની છે. રાજ્યના પોલીસવાળા દ્વારા આ અંગે સૂચના આપવામાં આવ્યા બાદ અમદાવાદ જિલ્લા એલસીબી દ્વારા આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ગઈકાલે મોડીરાતે આ પ્રકારે સૂચના મળ્યા બાદ આજથી અમદાવાદ જિલ્લા એસપી દ્વારા એલસીબી પીઆઇને આ સમગ્ર મામલે તપાસ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. હવેની તપાસ અમદાવાદ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવશે.
સુરેન્દ્રનગર જિલ્લા એસપીએ તપાસ એલસીબી પીઆઈ જયપાલસિંહ જાડેજાને સોંપી હતી અને આ માટે 10 ટીમ બનાવી સીસીટીવી ફૂટેજ ચેક કરતાં દારૂ ભરેલું વાહન પાટડી તરફ ગયું હોવાનું જાણ‌વા મળ્યું હતું. પોલીસે 50 સ્થળના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા પરંતુ રાત હોવાથી વાહનનો નંબર દેખાયો ન હતો. પાંચ દિવસ છતાં કોઈ કડી ન મળતાં ડીજીપીએ અંતે અમદાવાદ જિલ્લા એસપી ઓમપ્રકાશ જાટને તપાસ સોંપી હતી અને તેમણે એલસીબી પીઆઈ આર.એન. કરમટિયાને હવે તપાસ સોંપી છે. સુરેન્દ્રનગર પોલીસ સામે એવો આક્ષેપ છે કે, તેણે દારૂ ભરેલું વાહન પકડવાને બદલે અકસ્માતને લઈ વિવાદ ઊભો કર્યો છે. હવે અમદાવાદ જિલ્લા એલસીબીએ ત્રણ ટીમ બનાવી છે. આ ઘટનામાં દારૂ ભરેલા વાહનચાલકને કોઈપણ સંજોગોમાં પકડી પાડવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ ડીજીપીએ પોલીસને કડક સૂચના આપી હતી.

Social