ચોરીના બાઇકથી મહિલાઓના સોનાના દોરા તોડનારો પકડાયો

  શહેરમાં ચોરી કરેલા બાઇક પર મહિલાઓના ગળામાંથી સોનાના દોરા તોડી પૂરપાટ ફરાર થઈ જતા આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી બે બાઇક, બે સોનાની ચેઇન, એક ફોન જપ્ત કર્યાં છે. પકડાયેલા આરોપીએ છેલ્લા એક મહિનામાં સોલા, ચાંદખેડા અને કલોલમાંથી બે બાઇકની ચોરી કરી, બે મહિલાના ગળામાંથી સોનાના દોરા અને એક મોબાઈલ ફોનની લૂંટ કરી હતી. આરોપી અગાઉ ચોરી - લૂંટના 18 ગુનામાં પકડાઈ ચૂક્યો હતો.

પોલીસે બાતમીના આધારે ગોતા બ્રિજ પાસેથી બાઇક પર જઈ રહેલા સુરેશ ઉર્ફે સુરો પૂનાભાઈ મારવાડી (સલાટ) (ઉં.26, કડી)ને ઝડપી લીધો હતો. તેની પાસેથી પોલીસે ચોરી કરેલા બે બાઈક, બે સોનાની ચેઇન અને એક મોબાઈલ ફોન કબજે કર્યા હતા.
આ વિશે પોલીસે સુરેશની પૂછપરછ કરતા તેણે થોડા દિવસ પહેલાં જ કડી અને કલોલમાંથી બે બાઇકની ચોરી કરી હતી. ત્યાર બાદ ચોરી કરેલા બાઇકની મદદથી સોલા વિસ્તારમાંથી બે મહિલાના ગળામાંથી સોનાના દોરા તોડી ધૂમ સ્ટાઈલે ફરાર થઈ ગયો હતો. આ ઉપરાંત ચાંદખેડામાં એક વ્યકિતના હાથમાંથી મોબાઇલ ફોન લૂંટીને ભાગી ગયો હતો. સુરેશ અગાઉ 18 ગુનામાં પકડાઈ ચૂક્યો હોવાનું પોલીસનું કહેવું છે. આ પહેલાં તેને આ વર્ષે જ પાસા હેઠળ ધરપકડ કરી રાજકોટ જેલમાં મોકલી દેવાયો હતો.

Social