શાહીબાગમાં યુવતીને ડિજિટલ અરેસ્ટ કરીને ગઠિયાએ રૂ.1.32 લાખ પડાવ્યા
શાહીબાગમાં રહેતી યુવતીએ ઈન્સ્ટાગ્રામમાં વિદેશ જવા માટેની ઓફર આપતી જાહેરાતમાં આપેલા ફોનનંબર પર વાત કરી હતી. જેમાં સાયબર ગઠીયાઓએ યુવતીને ડીજીટલ એરેસ્ટ કરીને ધરપકડ કરવાની બીક બતાવી રૂ. 1.32 લાખ પડાવી લીધા હતા.
શાહીબાગમાં રહેતા સોનલબેન ડામોર ગત પહેલી સપ્ટેમ્બરે મોબાઈલમાં ઈન્સ્ટાગ્રામ પર રીલ જોતા હતા ત્યારે યુનાઈટેડ કિંગડમ જવા માટેની જાહેરાત જોઈ મોબાઈલ નંબર જોવા મળ્યો હતો. જેના પર વાત કરી હતી ત્યારબાદ એ મોબાઈલનંબર ધારકે સોનલબેનને મારી કંપનીને પ્રોફીટ થયુ છે કહીને એક પાર્સલ મોકલુ છુ તેમ કહ્યુ હતુ. અઠવાડીયા બાદ સોનલબેનને વોટસઅપ કોલ આવ્યો હતો જેમાં દિલ્હી એરપોર્ટ પોલીસનુ નામ આપીને તેમના નામે પાર્સલમાં આઈફોન, વોચ. ડાયમંડ રીંગ એપલ એરબર્ડ અને 600 પાઉન્ડ આવ્યા હોવાનુ કહીને ભારતીય ચલણમાં કન્વર્ટ કરવા માટે રૂ 22 હજાર ભરવા કહ્યુ હતુ જે ભરવાનો ઈન્કાર કરતા એક વીડીયો મોકલ્યો હતો જેમાં જે લોકો ટેકસ ભરતા નથી તેમની સાથે દિલ્હી પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે દર્શાવાયુ હતુ.
એક દિવસ પછી વોટસઅપ પર સીબીઆઈનો ફોટો મોકલીને વધુ 32 હજાર ટેકસ ભરવાનુ કહેતા યુવતીએ તેના મિત્ર પાસેથી રૂપિયા લઈને આપેલી સ્કેનર પર મોકલી આપ્યા હતા.
ત્યારબાદથી સતત ધમકી આપીને ટેકસના નામે રૂપિયા ભરાવીને વધુ સાત હજાર પડાવ્યા હતા. દિલ્હી એરપોર્ટ પરથી પાર્સલ અમદાવાદ મોકલી આપવાની વાત કરી વધુ રૂ. 47 હજાર પડાવ્યા હતા. દરમિયાન સામેની વ્યકિત પાસેથી ડ્રગ્સ પકડાયુ છે અને તેની સાથે તમે વાત કરી હોવાનો પુરાવો છે તેમ દિલ્હી પોલીસમાંથી સંજય અરોરા બોલુ છુ કહીને ધમકી આપી હતી. આ સમગ્ર સમય દરમિયાન સોનલબેન પાસેથી કુલ રૂ 1. 32 લાખ રૂપિયા પડાવી લીધા હતા.
