અમદાવાદના બોપલમાં MICAના વિદ્યાર્થીની હત્યા કોન્સ્ટેબલે કરી હતી, વિરેન્દ્રસિંહ પઢેરિયા પંજાબથી ઝડપાયો
અમદાવાદમાં બોપલ હત્યા કેસનો આરોપી ઝડપાયો છે. આ કેસમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે, બોપલમાં વિદ્યાર્થીની હત્યા કરનાર આરોપી એક પોલીસકર્મી છે. શહેરના સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીએ જ વિદ્યાર્થીને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. વિરેન્દ્રસિંહ પઢેરીયા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પોલીસકર્મી સરખેજ પોલીસ સ્ટેશનમાં ઇન્સ્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો. નોંધનીય છે કે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપી પોલીસકર્મીની પંજાબથી ધરપકડ કરી છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં 10 નવેમ્બરે વાહન ચલાવવા બાબતે બોલાચાલી થતાં MICA કોલેજના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કરી દેવામાં આવી હતી. આ વિદ્યાર્થીનો હત્યારો વિરેન્દ્રસિંહ પઢેરિયા ઝડપાઈ ગયો છે. વિરેન્દ્ર સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ છે. ઉલ્લેખનીય છે કે, આરોપી વિરેન્દ્રસિંહનો ભાઈ થોડા સમય સુધી બોપલ પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવતો હતો. આ વિદ્યાર્થીએ કારચાલકને ટકોર કરી હતી, પરંતુ કારચાલકે ઉશ્કેરાઈને વિદ્યાર્થી પર છરીથી હુમલો કર્યો હતો, આથી ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. છરીથી હુમલો કર્યા બાદ કારચાલક ફરાર થઈ ગયો હતો. આ અંગે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
