હવે થુંકબાજોની ખેર નહીં : AMC જાહેર રસ્તા પર ગંદકી ફેલાવનારને મોકલશે ઈ-મેમો
અમદાવાદમાં હવે જાહેર રસ્તાઓ પર ગંદકી ફેલાવનારાઓ માટે કડક કાર્યવાહી કરવામાં આવશે. પાન મસાલા ખાઈને થૂકવા અને જાહેરમાં કચરો નાંખવા પર AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) કાયદાકીય પગલા લેશે. શહેરમાં થતી ગંદકી પર કાબૂ મેળવવા માટે AMC હવે સીસીટીવી કેમેરાની મદદથી થુકબાજોની ઓળખ કરશે અને તેમના ઘરે ઈ-મેમો મોકલી દંડ વસૂલ કરશે.
થુકબાજો પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન CCTVના માધ્યમથી બાજ નજર રાખશે. તેમજ ગાડી નંબર પરથી વ્યક્તિના ઘરે ઈ – મેમો મોકલશે. આ સિસ્ટમનો પ્રથમ દિવસ શરૂ થઈ ચુક્યો છે, અને સૌપ્રથમ દિવસમાં જ કેટલીક પીચકારી મારનારાઓના ઘરો પર મેમો મોકલવામાં આવ્યા છે.AMC દ્વારા શરુ કરવામાં આવેલા આ પગલાંમાં, સીસીટીવી કેમેરા અને કંટ્રોલ રૂમની મદદથી જાહેરમાં ગંદકી ફેલાવનારા લોકો પર નજર રાખવામાં આવશે. જો કોઈ વાહનમાંથી પાન ખાઈને થુંકે છે, તો તેની ચકાસણી કરી તેને ₹100 દંડની નોટિસ મોકલવામાં આવશે.આ પહેલમાં, AMCએ 2023-24માં 4,749 થી વધુ થુકબાજો પર કાર્યવાહી કરી છે. આ અભિયાનના માધ્યમથી શહેરને સ્વચ્છ રાખવા અને જનસમાજમાં ચેતવણી પ્રસારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
