નિકોલમાં મિત્રની મદદ કરવા ગયેલા યુવક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો
નિકોલમાં મિત્રની ધર્મની બહેને એક વ્યકિતને ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી મામલે સાથે ગયેલા એક યુવકને બે વ્યક્તિઓએ ગડદાપાટુનો માર મારીને તિક્ષ્ણ હથિયારથી ઈજા પહોચાડી હતી. આ અંગે યુવકે નિકોલ પોલીસ સ્ટેશનમાં પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે.
બાપુનગરમાં રહેતા રવિ પ્રવિણભાઈ સોલંકી( ઉ.24) તેના પિતાની સાથે ઈલેકટ્રીક પેનલનું કામકાજ કરે છે. ગત તા 13 મીએ સાંજના ઘરે આવતા તેના મિત્ર જીગ્નેશ વણઝારાનો ફોન આવ્યો હતો કે મારી ધર્મની બહેન નયનાએ કઠવાડામાં રહેતા વિશાલ બાબુભાઈ સોલંકીને ઉછીના પૈસા આપ્યા હતા તે પૈસા આપતો નથી તો તુ આવ આપણે બધા પૈસા લેવા જઈએ. ત્યારબાદ રવિ બાઈક લઈને જીગ્નેશ અને તેની ધર્મની બહેન નયના સાથે કઠવાડા ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનમાં વિશાલ સોલંકીના ઘરે ગયા હતા.
જયાં પૈસા માંગતા વિશાલ અને તેના પિતા બાબુભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને શેના પૈસા અહીંથી નીકળો તેમ કહીને મારામારી કરી હતી. આ સમયે જીગ્નેશ અને નયનાબેન ત્યાંથી ભાગી ગયા હતા અને વિશાલે રવિને લાત મારીને નીચે પાડી દીધો હતો. અને ઘરમાંથી કોઈ હથિયાર લાવીને મારવા જતા રવિએ બચવા માટે હાથ આડો કરતા તેને ડાબા હાથે તેમજ જમણા હાથે ઈજા થઈ હતી.
દરમિયાન બૂમાબૂમ કરતા આસપાસના લોકોએ આવીને તેને વધુ માર મારવાથી બચાવ્યો હતો. ત્યારબાદ કોઈએ એમ્બ્યુલન્સ બોલાવતા રવિને હોસ્પિટલ લઈ જવાયો હતો. આ અંગે રવિએ નિકોલ પોલીસ સ્ટેશનમાં વિશાલ સોલંકી અને તેના પિતા બાબુભાઈ સામે ગરડાપાટુનો માર મારી હથિયારથી હુમલો કરવાની ફરિયાદ નોંધાવી છે.
