સિસ્ટમમાં ખામીથી વંદે મેટ્રો માટે એક વ્યક્તિ એક ટિકિટ જ બુક કરાવી શકે છે
દેશની પહેલી નમો ભારત રેપિડ રેલ (વંદે મેટ્રો) અમદાવાદ-ભુજ વચ્ચે દોડી રહી છે. જેમાં ટિકિટ બુકિંગ સિસ્ટમમાં ખામી હોવાથી એક વ્યક્તિ એકવારમાં એક ટિકિટ જ બુક કરાવી શકે છે. જેના કારણે એક જ પરિવારના ચારથી પાંચ સભ્યે મુસાફરી કરવી હોય તે વારેવારે પ્રોસેસ કરવી પડે છે. અન્ય જનરલ ટ્રેનમાં એક વ્યક્તિ એક જ ટિકિટમાં 4 જણની ટિકિટ બુક કરાવી શકે છે. આ સ્થિતિમાં રેલવેની ક્રિસ સંચાલિત બુકિંગ સિસ્ટમમાં સુધારો કરી નમો ભારત રેપિડ રેલમાં પણ 1 ટિકિટમાં 4 ટિકિટના બુકિંગ સાથે લોકોને સુવિધાની સાથે લાઈનમાં ઊભા રહેવાનો સમય બચી શકે.
એક પરિવારના 4 સભ્ય હોય તો તેણે ચારે સભ્યો માટે 4 ટિકિટ લેવી પડે છે. 1 ટિકિટના બુકિંગમાં સરેરાશ 19 સેકન્ડ લાગતી હોય તો 4 ટિકિટ માટે તેને 76 સેકન્ડ ઊભું રહેવું પડે. 15 નવેમ્બરે ચાંદલોડિયા સ્ટેશન પર પેસેન્જરોની મોટી લાઈનને લીધે કેટલાંક ટિકિટ લઈ ન શકતાં ટ્રેન ઉપડી જતાં તેઓ રઝળી પડ્યાં હતાં. આ ટ્રેનનું યુટીએસ મોબાઈલ એપથી ઓનલાઈન બુકિંગ થાય છે કે કેમ તેની પૂછપરછમાં રેલ અધિકારી કહ્યું કે, પેસેન્જર ટ્રેન આગમન સમયે નિયમમુજબ યુટીએસ એપથી પણ ઓનલાઈન ટિકિટ બુક કરી શકે છે.
