અમદાવાદમાં ગઈકાલે બનેલી ફાયરિંગની ઘટનામાં ઈજાગ્રસ્ત વેપારીનું સારવાર દરમિયાન મોત
અમદાવાદમાં પણ અસામાજિક તત્વો ફરી એકવાર બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં જ એક પોલીસ કર્મચારીએ MICAના વિદ્યાર્થીની છરી મારી હત્યા કરી હતી. એવામાં બીજી એક ઘટના શહેરના નહેરુનગર માણેકબાગ રોડ ખાતે બની હતી. જેમાં એક શાકભાજીના વેપારી પર એક રાઉન્ડ ફાયરિંગ થયું હતું.
બનાવની વિગત મુજબ ગઈકાલે સાંજે નહેરૂનગર વિસ્તારમાં શાકભાજીના વેપારી બદાજી મોદીની દુકાન પર બે લોકો આવ્યા હતા જેમાંથી એક વ્યક્તિએ ફાયરીંગ કર્યું. અને ફાયરિંગ કરી આ ઇસમો ફરાર થઈ ગયા હતા.ત્યારબાદ ઇજાગ્રસ્ત વેપારીને હાલ જીવરાજ મહેતા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હોવાની માહિતી મળી હતી. ફાયરીંગની જાણ થતા પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ તરતજ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
બાઈક પર આવેલા આરોપીઓએ વેપારીને કાનના ભાગે ફાયરિંગ કરતા ગંભીર ઇજા થઈ હતી. આ ફાયરિંગ પોઈન્ટ બ્લેન્ક થી કરવામાં આવ્યું હોવાની માહિતી મળી છે. ફાયરિંગ થતાં સમગ્ર વિસ્તારમાં હાલ ડરનો માહોલ ઉત્પન્ન થયો છે. પરંતુ હજી સુધી આરોપીઑની કોઈ ઓળખ થઈ નથી.આસપાસના વિસ્તારના CCTV ચેક કરી આ તમામ બાબતે તપાસ આગળ હાથ ધરવામાં આવશે. દુકાનમાં કામ કરતાં કારીગર પાસેથી મળતી માહિતી મુજબ અગાઉ પણ આ પ્રકારની ઘટના બની છે. વળી એવામાં મૃતકના દીકરાએ સંબંધીએ જ ફાયરિંગ કર્યું હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.
ફાયરીંગની આ ઘટના અંગે મળતા અપડેટ મુજબ મૃતકના દીકરાએ સંબંધીએ જ ફાયરિંગ કર્યું હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. વધુ માં એમ પણ જાણવામાં આવી રહ્યું છે કે કૌટુંબિક ઝઘડામાં પિતાની હત્યા કરવામાં આવી છે. અને સંબંધી રમેશ ખેતાજી, અશોક ખેતાજી, પ્રકાશ ખેતાજી અને રણજિત ખેતાજી પર હત્યા કરવાનો આરોપ લગાવવા માં આવ્યો છે. મૃતકના પરિવારને શંકા છે કે ખેતરામ મોદીની હત્યાના બદલે આ બદાજી મોદીની હત્યા કરવામાં આવી છે ,હાલમાં મૃતકના પરિવારની માંગ છે કે આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે નહિ ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકાર કરશે નહિ. વધુમાં શહેરમાં ફરી ફાયરિંગની ઘટના બનતા જનતા દ્વારા પોલીસ કામગીરી પર અનેક સવાલો કરવામાં આવ્યા છે.
