ઉસ્માનપુરામાં ગોગલ્સ અને બુકાનીમાં આવેલ મહિલાએ મકાનમાં ઘૂસીને લૂંટ કરવાની કરી કોશિશ, વૃદ્ધાના પ્રતિકારથી નિષ્ફળ પ્રયત્ન બાદ ફરાર

અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં સિનિયર સિટિઝન પર લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. 72 વર્ષીય પરાગબેન રાજેશભાઈ શાહે નોંધાવેલી ફરિયાદ મુજબ, એક અજાણી મહિલાએ તેમના ઘરમાં ઘૂસી તેમને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. ફરિયાદ અનુસાર, પરાગબેનના પતિ સવારે મોર્નિંગ વોક માટે બહાર ગયા હતા, અને પરાગબેન ઘરમાં એકલી હતી. સાડા આઠ વાગ્યાના અરસામાં ગોગલ્સ પહેરેલી અને બુકાની બાંધેલી, કાળા રંગના પંજાબી ડ્રેસમાં રહેલી એક અજાણી મહિલાએ તેમના ઘરમાં ધાબાની સીડી મારફતે પ્રવેશ કર્યો. પરાગબેનને તે મહિલા ઓળખીતી લાગી, પરંતુ આશ્ચર્યજનક રીતે, મહિલાએ મરચાની ભૂકી તેમના ચશ્મા ખેંચીને તેમની આંખ અને મોઢામાં નાખ્યું હતું.

મરચું લાગવાથી પરાગબેનની આંખમાં આંસુ આવી ગયા અને દેખાવાનું બંધ થઈ ગયુ. મહિલાએ પરાગબેનને બાથરૂમમાં પુરી દેવાનો પ્રયાસ કર્યો, પરંતુ જગ્યા ન હોવાથી તે નિષ્ફળ રહી. બાદમાં તે મહિલાએ પરાગબેનને બેડરૂમમાં ખેંચીને દરવાજો બંધ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પરાગબેનના પ્રતિસાદને કારણે તેનો આ પ્રયાસ પણ અસફળ રહ્યો.આ ઝપાઝપી દરમિયાન મહિલાએ પરાગબેનને ઇજાઓ પહોંચાડી, પરંતુ પરાગબેનના બુમબામથી ડરાઈને તેણે ડાયનિંગ રૂમનો દરવાજો બહારથી બંધ કરીને ફરાર થવાનો પ્રયાસ કર્યો. પરાગબેને આ ઘટનાની જાણ કરતા તેમના ભાઈ અને પોલીસ મકાને પહોંચ્યા હતા.

Social