યુવકે હોર્ન વગાડી રસ્તા પરથી ખસવાનું કહેતાં છરીથી હુમલો
અમરાઈવાડીમાં નીલકંઠ સોસાયટીના ગેટ પાસે એક જણ રસ્તા પર ઊભો હોવાથી યુવકે હોર્ન વગાડીને તેને ખસવાનું કહેતાં, ઉશ્કેરાયેલા શખ્સે યુવક સાથે ઝઘડો કરી છરી મારી દેતા ગંભીર ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ મોકલ્યો હતો. આ મામલે રામોલ પોલીસે હુમલાખોર સામે ગુનો નોંધી તપાસ આદરી છે.
અમરાઈવાડીની રત્નદીપ રો-હાઉસમાં રહેતા ખીલચંદ ઉર્ફે ખલી જગન્નાથ બાક્ષે (ઉં.31) મોટેરા ખાતે નોકરી કરે છે. ગત 15 નવેમ્બરે રાતે તેઓ નોકરીએથી તેમની સોસાયટી પાસેની નીલકંઠ સોસાયટીના ગેટ પાસે ગયા હતા ત્યારે રસ્તામાં મિત્રો સાથે ઊભેલા નીરજ ખટીકને ત્યાંથી ખસવા માટે હોર્ન વગાડતાં નીરજે ઈશારો કરીને ઊભા રહેવાનું કહી, નીરજે ખીલચંદ પાસે આવીને, તેં કેમ હોર્ન માર્યું કહી ઝઘડો કર્યો હતો.
ઝઘડો એટલો ઉગ્ર થયો કે, નીરજે ક્યાંકથી છરી લાવી ખીલચંદને મારી દઈ ફરાર થયો હતો. તો ઈજાગ્રસ્ત ખીલચંદને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ દાખલ કર્યા હતા. આ મામલે ઈજાગ્રસ્ત ખીલચંદે રામોલ પોલીસમાં નીરજ ખટીક સામે ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે. તાજેતરમાં બોપલમાં પણ માઇકાના વિદ્યાર્થીએ કારચાલક કોન્સ્ટેબલને કાર ધીમી ચલાવવાનો ઠપકો આપતા તેણે છરી મારતાં તેનું મૃત્યુ થયું હતું.
