લાંભા પાસે વેપારી, તેના મિત્રને પિસ્તોલથી ડરાવી દાગીના, રોકડ લૂંટનાર ત્રણ ઝડપાયા

લાંભા પાસે રાજકોટના વેપારી અને તેના મિત્રને પિસ્તોલ બતાવી દાગીના અને રોકડની લૂંટ કરનારા ત્રણની ધરપકડ કરાઈ છે. રાજકોટનો વેપારી એસીના સ્પેરપાર્ટ્સની ખરીદી માટે અમદાવાદ આવ્યા બાદ મિત્ર સાથે બાઈક પર લાંભા બળિયાદેવ મંદિર પાસેથી પસાર થતો હતો, ત્યારે બે અજાણ્યા શખ્સોએ તેમનું ટુવ્હીલર રોકાવી પિસ્તોલ જેવું હથિયાર બતાવી સોનાની ચેઈન તથા રોકડ મળી રૂ.1.05 લાખની મતા લૂંટીને ફરાર થયા હતા. આ અંગે અસલાલી પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપીની પિસ્તોલ જેવા હથિયાર સાથે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટમાં રહેતા રાજીવ શાહ (30) ઓટોમોબાઈલ્સ, એસી રિપેરિંગ તથા એસી વેચાણનું કામ કરે છે. તેઓ 13 નવેમ્બરે સવારે એસીના સ્પેરપાર્ટ્સની
ખરીદી માટે સરખેજ ઉજાલા સર્કલ આવી રિક્ષામાં પીરાણા ગયા હતા. જ્યાંથી મિત્ર નીતિન વર્માના બાઈક પર જઈ સામાન ખરીદ્યો હતો.

બીજા દિવસે રાજકોટ જવા માટે તેઓ મિત્રના બાઈક પર બેસી સનાથલ થઇ લાંભા રોડ પર બળિયાદેવ મંદીર પહેલાં શાહવાડી જવાના રસ્તે પહોંચ્યા ત્યારે બે શખ્સોએ તેમને રોકીને કહાં જા રહે હો કહી બબાલ કરી રાજીવભાઈના હાથ પર બચકું ભરી પિસ્તોલ જેવું હથિયાર બતાવી સોનાની ચેઈન (કિં.55 હજાર) તથા રોકડ રૂ.50 હજાર મળી રૂ.1.05 લાખની મતા લૂંટી ફરાર થયા હતા. આ અંગે અસલાલી પોલીસે ગુનો નોંધી આરોપી અનુરાગ સાક્યા, ક્રિષ્ના રાઠોડ અને નીતિન વર્મા (ત્રણેય રહે.નારોલ)ની ધરપકડ કરી તમામ મુદ્દામાલ રિકવર કરી આરોપીઓ અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.

Social