ગુનાખોરી અટકાવવા ગૃહ વિભાગ પણ સક્રિય : શહેર પોલીસે કરી કડક પગલાં લેવાની શરૂઆત
રાજ્યમાં વધી રહેલી ગુનાખોરીના પગલે રાજ્ય સરકાર નારાજ છે. એવું જણાઈ રહ્યું છે કે રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે કથળતી જઈ રહી છે. હત્યા, લૂંટ, ઘરફોડી ચોરી અને દુષ્કર્મના બનાવ પણ વધી રહ્યા છે. પાછલા 24 દિવસમાં રાજ્યમાં 18 હત્યાના બનાવ બન્યા હતા જયારે 22 દિવસમાં અમદાવાદમાં 10 હત્યાના બનાવ બન્યા છે. એમાંથી અમદાવાદ શહેરમાં 8 અને બોપલમાં 2 વ્યક્તિની હત્યા થઈ હતી.
મળતી માહિતી મુજબ ગુનેગારોમાં ધાક બેસાડવા માટે મોડે મોડે પણ જાગેલી અમદાવાદ શહેર પોલીસે હવે કડક પગલાં લેવાની શરૂઆત કરી છે. તે અંતર્ગત શહેરમાં પોલીસ અધિકારીઓ દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યુ હતું.કાગડાપીઠ પોલીસ મથકના વિવિધ વિસ્તારોમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને ઝોન 6 વિસ્તારના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.આ સાથે અસામાજિક તત્વો તથા હિસ્ટ્રી શીટરોને પણ ચેક કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત સમાચાર અનુસાર રાજ્યમાં વધતી ગુનાખોરીને અટકાવવા હવે ગૃહ વિભાગ પણ સક્રિય થયુ છે. અને આવનારા દિવસોમાં અન્ય અધિકારીઓ પર પણ પગલા લેવાઈ શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. હાલની ઘટનાને લઈને એલિસબ્રિજ અને કાગડાપીઠના PIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
