સિંધુભવન રોડ પર પોલીસ પર કાર ચઢાવી દેવા પ્રયાસ, ચાલકને પોલીસે દબોચ્યો

               સિંધુભવન રોડ પર ગોટીલા ગાર્ડન નજીક ભયજનક રીતે કાર ચલાવનારા યુવકની ધરપકડ કરાઈ છે. વાહન ચેકિંગ વખતે યુવક નંબર પ્લેટ વગર અને ડાર્ક ફિલ્મ સાથેની કારમાં નીકળ્યો હતો. પોલીસે તેને કાર થોભાવા ઇશારો કર્યો પણ તેણે પૂરઝડપે પોલીસ કાફલા વચ્ચેથી કાર દોડાવી ગોટીલા ગાર્ડન કટથી આગળ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે રોડ પર એક કાર આવી જતાં યુવકે યુટર્ન મારી પકવાન ચાર રસ્તા તરફ વાંકીચૂકી કાર દોડાવી પોલીસ કર્મચારીઓને અડફેટે લેવાનો પ્રયાસ કર્યો હતો.
             યુવકે એ ઝડપે કાર દોડાવી હતી કે, તેને રોકવા દોડેલા કેટલાક પોલીસ કર્મચારી અડફેટે આવતા માંડ બચ્યા હતા. બોડકદેવ પોલીસે યુવક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન યુવકે તેનું નામ પ્રિન્સ ઠક્કર હોવાનું જણાવ્યું હતું. તેણે કહ્યું મિત્ર સાથે તે સિંધુભવન રોડ પર ફરવા નીકળ્યો હતો. કારમાં કાળા કાચ અને આગળ નંબર પ્લેટ ન હોવાથી પોલીસે તેને રોકવાનો ઇશારો કર્યો ત્યારે તે ગભરાઈ ગયો હતો. અંતે પૂરઝડપે કાર દોડાવી હતી. ધરપકડ પછી તેણે ભૂલ થઈ ગઈ કહી માફી માગી હતી.
Social