અમદાવાદમાં એક વેપારી પર GSTના દરોડા

જીએસટી વિભાગ દ્વારા બીટુસીમાં થતી કરચોરી પકડવા માટે ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત અમદાવાદમાં બેટરીના વ્યવસાય કરતા 2 વેપારી અને ડાંગના વઘઇ ખાતે તમાકુના 4 વેપારી અને નડિયાદમાં 1 સલૂન પર દરોડો પાડીને રૂ. 3.53 કરોડની કરચોરી પકડી પાડી હતી.
સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા 16 નવેમ્બરે અમદાવાદ, નડિયાદ અને વઘઇ ખાતે દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. જેમાં છૂટક વેપારીઓ બિલ વગર માલનું વેચાણ કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આ વેપારીઓમાં નડિયાદના સલુનના વેપારી દ્વારા આવક ઓછી બતાવી કરચોરી કરી હતી. આ વેપારી કમ્પોઝિશન સ્કીમ હેઠળ હોવા છતાં ગ્રાહકો પાસે અલગથી વેરો ઉઘરાવી કમ્પોઝિશન સ્કીમની શરતોનો ભંગ કરી તથા વેચાણ છુપાવી રૂ. 53 લાખથી વધુની કરચોરી કરી હતી.
અમદાવાદમાં બેટરીના વેપારીને ત્યાં તપાસમાં બેટરીઓ ઇમ્પોર્ટ કરી સ્થાનિક વેચાણ કરવામાં આવતું હતું. બિલ વગર વેચાણ કરીને કરચોરી કરાતી હતી. તપાસમાં મોટા પ્રમાણમાં બિન નોંધાયેલ સ્ટોક તથા વેચાણો મળી આવ્યા હતા. આ વેપારીની 92 લાખથી વધુની કરચોરી સામે આવી હતી. ડાંગ જિલ્લાના વઘઇ ખાતે તમાકુ ઉત્પાદકોના ખરીદ-વેચાણ સાથે સંકળાયેલા કુલ 4 વેપારીઓને ત્યાં તપાસમાં વગર બિલે કરેલા વેચાણો મળી આવ્યા હતા. આ વેપારી પાસેથી રૂ. 2.08 કરોડ રૂપિયાની કરચોરી મળી આવી હતી.

Social