પાલિકા ચૂંટણીના પડઘમ : સાણંદ નગરપાલિકાની 7 વોર્ડની બેઠકોની કેટેગરી જાહેર કરાઈ
સાણંદ શહેરના લોકો છેલ્લા ઘણા સમયથી પાયાની સુવિધાઓની સમસ્યાઓથી પરેશાન છે અને તેઓને હાલ કોઈ સાંભળનાર પણ નથી કારણ છેલ્લા દોઢેક વર્ષથી પાલિકામાં વહીવટદારનું શાસન છે , બીજી તરફ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પાલિકાઓના નવા સીમાંકન જાહેર કરાતા છેલ્લા ઘણા સમયથી લંબાઈ રહેલ પાલિકા ચૂંટણીઓ હવે નજીકના સમયમાં યોજાશે એવું લાગી રહ્યું છે.
સાણંદ નગર પાલિકા રાજ્યમાં ચૂંટણી પંચ દ્વારા આગામી સમયમાં સાણંદ નગરપાલિકા સહિત રાજ્યની નગરપાલિકાની ચૂંટણી યોજવા જાહેરનામું બહાર પાડવાની શક્યતા છે, તેવામાં સાણંદ નગરપાલિકાના નવા સીમાંકન મુજબ 7 વોર્ડની બેઠકોની કેટેગરી જાહેર કરાઈ છે, પછાતવર્ગોની બેઠકોની અનામતની ટકાવારીમાં સુધારો કરી 27 ટકા સુધીની બેઠકો પછાતવર્ગો માટે અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવેલ છે. ત્યારે તંત્ર દ્વારા મતદારોની સંખ્યાના આધારે વોર્ડની સંખ્યામાં નવા સીમાંકર મુજબ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
પાલીકાનાં 7 વોર્ડમાં કઈ કેટેગરીના ઉમેદવારો ચૂંટણી લડી શકશે તે માટેની સીટો પણ નક્કી કરી દેવામાં આવી છે. કુલ 7 વોર્ડમાં વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ કુલ 41530 મતદારો નોંધાયેલા છે. સાણંદ નગરપાલિકા માટે 7 વોર્ડ અને 28 બેઠકો નિર્ધારીત કરાઇ છે. જે મહિલા અનામત 50% હોવાને કારણે 14 બેઠકો તો મહિલાઓને જ ફાળે જશે પૈકી અનુસૂચિત જાતિની 4 બેઠકો પૈકી 2 બેઠકો સ્ત્રી માટે અનામત, અને પછાતવર્ગની 8 બેઠકો પૈકી 4 બેઠકો સ્ત્રી માટે અનામત રાખવામાં આવી છે. જ્યારે અનુસુચિત આદીજાતી માટે એક પણ બેઠક ફાળવવામાં આવી નથી. આમ કુલ 20 અનામત બેઠકો અને 8 સામાન્ય બેઠકો સાથે 28 બેઠકોની ગોઠવણી ચુંટણી આયોગ દ્વારા કરવામાં આવી છે.

             સાણંદ પાલિકા વિસ્તારમાં ઉડીને આંખે વળગે એવા તો વિકાસના કોઈ કામો થયા નથી પણ જે પાયાના સુવિધાઓ છે અને જેના ઉપર નાગરિકોનો હક્ક છે તેવી પાયાની સુવિધાઓ આપવામાં પણ પાલિકા સત્તાધીશો ઉણા ઉતર્યા છે.સાણંદમાં સૌથી મોટો પ્રશ્ન ઉભરાતી ગટરો , રખડતી ગયો અને તૂટેલા રોડનો છે જે જેમને તેમ છે આ બધા રોજિંદા પ્રશ્નો જે રોજ લોકોને સતાવે છે પણ વારંવારની રજૂઆતો છતાં આ પ્રશ્નોનો કોઈ ઉકેલ થતો નથી,અગાઉના ચૂંટણી ઢંઢેરાઓમાં બતાવાયેલા વિકાસના દિવા સ્વપ્નો અને અવાર નવાર થતી  તળાવોના બ્યુટીફીકેશનની વાતો માત્ર કાગળ ઉપર રહી છે ત્યારે આગામી ચૂંટણીમાં ઉમેદવારોની નહિ પણ સાણંદની જનતાની પરીક્ષા થવાની હોય તેવું લાગી રહ્યુંછે.કારણ જો આ વખતે સાણંદની જનતાએ મિજાજ ના દેખાડ્યો તો કાયમ ભોગવવાનું આવશે .
Social